સોહરાબુદ્દીન શેખ, કૌસર બી અને તુલસી પ્રજાપતિના ચર્ચિત એન્કાઉન્ટર કેસમાં 21 પોલીસકર્મીઓ સહિત તમામ આરોપીઓને નિર્દોષ છોડવાના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ છે. સુપ્રીમ કોર્ટે આ અપીલ પર સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે અને કેસની ટ્રાયલમાં પારદર્શિતા હતી કે નહીં તેની ચકાસણી કરશે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જોયમાલ્યા બાગચીએ ટ્રાયલ દરમિયાન 92 સાક્ષીઓ ફરી ગયા હોવા અંગે મૌખિક રીતે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, "આને હોલસેલ વિટનેસ હોસ્ટાઈલ કહી શકાય. અમે સાક્ષીઓના નિવેદનોની પણ ચકાસણી કરીશું. જો ટ્રાયલમાં 92 સાક્ષીઓ ફરી જાય તો તે ખરેખર ગંભીર અને ચિંતાજનક બાબત છે."
આ કેસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજસ્થાનના તત્કાલીન ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયા, ગુજરાત એટીએસના પૂર્વ ડીઆઈજી ડી.જી. વણઝારા, પી.સી. પાંડે, ગીતા જોહરી, અભય ચુડાસમા, એન.કે. અમીન, રાજકુમાર પાંડિયન સહિત 38 લોકોને આરોપી બનાવાયા હતા. જોકે, 2018માં સીબીઆઈ કોર્ટે તમામને નિર્દોષ જાહેર કર્યા હતા, જેને બોમ્બે હાઈકોર્ટે યથાવત્ રાખ્યો હતો. હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.
સીબીઆઈના કેસ મુજબ, 22-23 નવેમ્બર 2005ના રોજ સોહરાબુદ્દીન, તેની પત્ની કૌસર બી અને તુલસી પ્રજાપતિ હૈદરાબાદથી મહારાષ્ટ્રના સાંગલી જઈ રહ્યા હતા ત્યારે પોલીસ ટીમે તેમને કસ્ટડીમાં લીધા હતા. 26 નવેમ્બર 2005ના રોજ સોહરાબુદ્દીનનું અમદાવાદ નજીક એન્કાઉન્ટરમાં મોત થયું હતું. આ એન્કાઉન્ટરમાં રાજસ્થાન અને ગુજરાત પોલીસના તત્કાલીન કર્મચારીઓ સામેલ હતા. ત્રણ દિવસ બાદ કૌસર બીનું પણ મોત થયું હતું. ઉદયપુર સેન્ટ્રલ જેલમાં કેદ મુખ્ય સાક્ષી તુલસી પ્રજાપતિની 27 ડિસેમ્બર 2006ના રોજ બનાસકાંઠા નજીક છાપરી ખાતે અન્ય એક પોલીસ એન્કાઉન્ટરમાં હત્યા કરાઈ હતી.
સોહરાબુદ્દીનના ભાઈ નયાબુદ્દીન શેખે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. સુપ્રીમ કોર્ટે સીબીઆઈ અને છોડી મુકાયેલા 22 લોકોને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે અમિત શાહને છોડી મુકવાના મામલાને ફરી ખોલવામાં આવશે નહીં. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમાલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનાની બેંચ આ અપીલની સુનાવણી કરી રહી છે.