બાથરૂમમાં સાબુ વારંવાર ઓગળી જવો એ સામાન્ય સમસ્યા છે. ઘણા લોકો ફરિયાદ કરે છે કે નવો સાબુ પણ બે દિવસમાં નરમ થઈ જાય છે અને ઝડપથી વપરાઈ જાય છે. આનું મુખ્ય કારણ સાબુને ખોટી રીતે રાખવો છે. સાબુદાનીમાં પાણી ભરાઈ રહેતું હોય તો સાબુ સતત ભીનો રહે છે અને ઓગળે છે.
સાબુને લાંબો સમય ટકાવવા માટે તમે સાબુદાની અને હેર બેન્ડની મદદ લઈ શકો છો. આ પદ્ધતિ ખૂબ જ સરળ છે અને કોઈ ખર્ચ વિના કરી શકાય છે.
કેવી રીતે કરવું?
પહેલા સાબુદાનીને સારી રીતે ધોઈને સૂકવી લો. પછી બે જાડા હેર બેન્ડ અથવા રબર બેન્ડ લો. આ બેન્ડને સાબુદાનીની ઉપર એવી રીતે ગોઠવો કે તે થોડા અંતરે તંગ રહે. હવે સાબુને સીધો સાબુદાનીમાં ન રાખતા આ બેન્ડની ઉપર મૂકો. આનાથી સાબુ અને સાબુદાનીની સપાટી વચ્ચે જગ્યા રહેશે. વપરાયેલા સાબુમાંથી પાણી સીધું નીચે ટ્રેમાં જશે અને સાબુ ભીનો નહીં રહે. હવા પણ સાબુની નીચેથી પસાર થશે જેથી સાબુ ઝડપથી સૂકાઈ જશે. આમ, સાબુ સામાન્ય કરતાં લાંબો સમય ચાલશે.
જો હેર બેન્ડ ન હોય તો તમે રસોઈમાં વપરાતા સ્પોન્જનો પણ ઉપયોગ કરી શકો છો. એક સ્વચ્છ સ્પોન્જ લો અને તેને સાબુદાનીના માપ પ્રમાણે કાપી લો. સ્પોન્જને સાબુદાનીમાં ગોઠવો અને તેના ઉપર સાબુ મૂકો. સ્પોન્જ ભીનાશને શોષી લેશે અને સાબુ સૂકો રહેશે. સ્પોન્જમાં જમા થયેલા સાબુના ફીણનો ઉપયોગ તમે બાથરૂમની ટાઇલ્સ સાફ કરવા માટે પણ કરી શકો છો.
આ નાનકડી યુક્તિ અપનાવીને તમે સાબુનો બગાડ અટકાવી શકો છો અને પૈસાની બચત કરી શકો છો.