ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ સ્મૃતિ મંધાનાને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની નવી કેપ્ટન જાહેર કરી છે. તે હરમનપ્રીત કૌરનું સ્થાન લેશે, જેમણે ટીમને લાંબા સમય સુધી નેતૃત્વ આપ્યું હતું. સ્મૃતિ 2013થી ભારતીય ટીમનો ભાગ છે અને તેણે અગાઉ 18 T20I અને 4 ODI મેચોમાં કેપ્ટનશીપ કરી છે.
તાજેતરમાં તેણે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ને 2024 અને 2026માં વિજેતા બનાવ્યું હતું. આ સફળતાએ તેની નેતૃત્વ ક્ષમતા દર્શાવી છે. હવે તે ફૂલ-ટાઇમ વ્હાઇટ-બોલ કેપ્ટન તરીકે ટીમની જવાબદારી સંભાળશે.
પોતાની નિમણૂક પર સ્મૃતિએ કહ્યું, 'ભારતની કેપ્ટન તરીકે જવાબદારી મળવી એ ખૂબ જ ખાસ સન્માન છે. ભારતનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે હંમેશા ખૂબ મહત્વનું રહ્યું છે, અને હવે ટીમનું નેતૃત્વ કરવાની તક મળવી મારા માટે અતિ મૂલ્યવાન છે. હું BCCI, સિલેક્ટર્સ, મારા સાથી ખેલાડીઓ અને મારી આ સફરમાં સાથ આપનારા તથા મારા પર વિશ્વાસ મૂકનારા તમામ લોકોની આભારી છું.'
તેમણે હરમનપ્રીત કૌરના યોગદાનને પણ યાદ કર્યું. 'હું હરમનપ્રીત અને કેપ્ટન તરીકેના તેમના યોગદાનને યાદ કરવા માંગુ છું. તેમણે ખૂબ જ સમર્પણ સાથે ટીમનું નેતૃત્વ કર્યું છે, અને અમારી આ સફરનો એક મહત્વનો ભાગ રહ્યા છે. હું આ જવાબદારીને સારી રીતે સમજું છું અને ટીમ સાથે કામ કરવા, સાથે મળીને શીખવા અને ભારતીય ક્રિકેટને આગળ લઈ જવા માટે મારું સર્વશ્રેષ્ઠ આપવા ઉત્સાહિત છું,' તેમણે ઉમેર્યું.
BCCI પ્રમુખ મિથુન મન્હાસે અભિનંદન આપતાં કહ્યું, 'હું સ્મૃતિને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કપ્તાની મળવા બદલ અભિનંદન આપું છું. તે ઘણા વર્ષોથી ભારતીય ક્રિકેટનો મહત્વનો હિસ્સો રહી છે, અને તેણે હંમેશા આગળ વધીને ટીમને લીડ કરવાના ગુણો દર્શાવ્યા છે. આ જવાબદારી સંભાળતી વખતે તેનો અનુભવ અને રમતની સમજ ખૂબ કામ આવશે. BCCI ને સ્મૃતિ પર પૂરો વિશ્વાસ છે અને મને ખાતરી છે કે, તે આ ભૂમિકાને તે જ પ્રતિબદ્ધતા અને વ્યાવસાયિકતા સાથે નિભાવશે, જે તેણે તેની સમગ્ર કારકિર્દીમાં દર્શાવી છે.'
BCCIના માનદ સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું, 'આ મહત્વપૂર્ણ જવાબદારી માટે સ્મૃતિને અભિનંદન. તે ભારતીય ટીમની સૌથી અનુભવી ખેલાડીઓમાંથી એક બની ગઈ છે, અને ભારતીય મહિલા ક્રિકેટની સફરની કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષણોનો ભાગ રહી છે. તે સમજે છે કે, ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો અર્થ શું થાય છે, અને મને ખાતરી છે કે તે કેપ્ટન તરીકેની પોતાની ભૂમિકામાં આ સમજણનો ઉપયોગ કરશે. ભારતનું નેતૃત્વ કરવું એ એક મોટી જવાબદારી છે, પરંતુ સ્મૃતિ પાસે તેને સંભાળવાનો અનુભવ અને સ્વભાવ છે. વિમેન્સ પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની કેપ્ટન તરીકેની તેની સફળતા તેની સક્ષમ નેતૃત્વ ક્ષમતાનું વધુ એક ઉદાહરણ છે.'