સત્ય. સાહસ. સંકલ્પ.

સ્મૃતિ મંધાના બન્યાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના નવા કેપ્ટન, BCCIએ કરી જાહેરાત

સ્મૃતિ મંધાના બન્યાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના નવા કેપ્ટન, BCCIએ કરી જાહેરાત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં મોટો ફેરફાર થયો છે. બીસીસીઆઈએ ગુવાહાટીમાં યોજાયેલી બેઠકમાં સ્મૃતિ મંધાનાને વનડે અને ટી-20 ટીમની નવી કેપ્ટન તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી ટીમનું નેતૃત્વ કરી રહેલાં હરમનપ્રીત કૌર હવે ફક્ત ટેસ્ટ ટીમની કેપ્ટન રહેશે.

સ્મૃતિ મંધાના 2013થી ભારતીય ટીમનો ભાગ છે અને લાંબા સમયથી વાઇસ-કેપ્ટન તરીકે સેવા આપી છે. તેમણે હરમનપ્રીતની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કર્યું છે. તેમણે અત્યાર સુધી 18 ટી-20 અને ચાર વનડે મેચમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ કરી છે.

મંધાનાએ આઈપીએલની મહિલા ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને વર્ષ 2024 અને 2026માં મહિલા પ્રીમિયર લીગ (WPL)નું ટાઇટલ જીતાડ્યું છે, જે તેમની કેપ્ટનશીપ ક્ષમતા દર્શાવે છે.

બીસીસીઆઈના પ્રમુખ મિથુન મન્હાસે કહ્યું, “હું સ્મૃતિને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન આપું છું. તે ઘણા વર્ષોથી ભારતીય ક્રિકેટનો અભિન્ન ભાગ રહી છે અને તેણે સતત પોતાની કેપ્ટનશિપ ક્ષમતા સાબિત કરી છે.”

બીસીસીઆઈના સેક્રેટરી દેવજીત સૈકિયાએ કહ્યું, “આ મહત્વપૂર્ણ જવાબદારી બદલ સ્મૃતિને હાર્દિક અભિનંદન. તે ભારતીય ટીમની સૌથી અનુભવી ખેલાડીઓમાંની એક છે અને ભારતીય મહિલા ક્રિકેટની સફરમાં ઘણી મહત્વપૂર્ણ ક્ષણોનો ભાગ રહી છે. તે ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું મહત્વ સમજે છે અને મને વિશ્વાસ છે કે તે કેપ્ટન તરીકે આ ભૂમિકા સારી રીતે નિભાવશે.”

🕐 આ ઘટનાના અગાઉના અહેવાલ

06 Oct 2026, 11:46 PM સ્મૃતિ મંધાના બન્યા ભારતીય મહિલા ક્રિકેટ ટીમના નવા કેપ્ટન, BCCIએ કરી જાહેરાત