સત્ય. સાહસ. સંકલ્પ.

સ્મીમેર હોસ્પિટલ બહાર વરસાદ વિના જ ડ્રેનેજનું પાણી ભરાયું, દર્દીઓ માટે જોખમ

સ્મીમેર હોસ્પિટલ બહાર વરસાદ વિના જ ડ્રેનેજનું પાણી ભરાયું, દર્દીઓ માટે જોખમ

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર પાસે છેલ્લા ચાર દિવસથી વરસાદ ન હોવા છતાં ડ્રેનેજનું ગંદુ પાણી ભરાયું છે. આ પાણી હોસ્પિટલની બહાર તેમજ નજીકના રેલવે ગરનાળામાં ગોઠણ સુધી જમા થયું છે, જેના કારણે દર્દીઓ અને તેમના સ્વજનોને હોસ્પિટલમાં પ્રવેશવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.

આ ગંદા પાણીને કારણે રાહદારીઓ અને વાહનચાલકોને પણ પરેશાની થઈ રહી છે. દિવસ દરમિયાન પીક અવર્સમાં આ વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાય છે અને લોકો દુર્ગંધભર્યા પાણીમાંથી પસાર થવા મજબૂર બની રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે સ્થાનિકોમાં આક્રોશ છે અને તેઓએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે.

હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યાએ ગંદુ પાણી ભરાવાથી મચ્છરજન્ય અને અન્ય રોગો ફેલાવાનો ખતરો વધી ગયો છે. સ્થાનિક રહેવાસીઓ અને દર્દીઓના સ્વજનોને ચિંતા છે કે આનાથી ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગો ફેલાઈ શકે છે. સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓની સારવાર થાય છે, એટલે આવી સ્થિતિમાં ત્યાં પહેલેથી બીમાર લોકોની તબિયત વધુ બગડી શકે છે.

આ છતાં, સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગે અત્યાર સુધી કોઈ પગલાં લીધા નથી. અધિકારીઓ અને કર્મચારીઓ તરફથી આ સમસ્યાના નિવારણ માટે કોઈ નક્કર કામગીરી થઈ નથી. આ બેદરકારીને કારણે હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને સ્થાનિક લોકોની તકલીફ વધી રહી છે.