સત્ય. સાહસ. સંકલ્પ.

161 SME IPOમાંથી 81 શેર્સ ઈશ્યૂ ભાવથી નીચે, 24માં 50%થી વધુ ઘટાડો

161 SME IPOમાંથી 81 શેર્સ ઈશ્યૂ ભાવથી નીચે, 24માં 50%થી વધુ ઘટાડો

દેશના પ્રાઈમરી માર્કેટમાં છેલ્લા કેટલાક મહિનાઓથી નાની અને મધ્યમ કંપનીઓના IPO ને લઈને મોટી ચર્ચા થઈ રહી છે. BSE અને NSEના SME પ્લેટફોર્મ પર 161 કંપનીઓએ IPO લાવીને કુલ 7,171 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. પરંતુ આ IPOમાંથી 81 શેર્સ હાલ તેમના ઈશ્યૂ ભાવ કરતાં નીચે ટ્રેડ થઈ રહ્યા છે. જેમાં 24 IPOએ 50% કે તેથી વધુનો ઘટાડો નોંધાવ્યો છે. આ સ્થિતિએ રિટેલ રોકાણકારોમાં ભારે નિરાશા પ્રસરાવી છે.

નિષ્ણાતોના મતે, આ સ્થિતિ માટે ફેક ગ્રે માર્કેટ પ્રીમિયમ અને ભ્રામક રિપોર્ટ્સને કારણે રોકાણકારોને લલચાવવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. ઘણી કંપનીઓએ ઊંચા વેલ્યુએશન પર IPO લાવીને રોકાણકારોને આકર્ષ્યા, પરંતુ લિસ્ટિંગ બાદ શેરના ભાવ ઘટી જતાં રોકાણકારોને નુકસાન થયું છે.

જુલાઈથી સપ્ટેમ્બર 2026 દરમિયાન લિસ્ટ થયેલા SME IPOનું મધ્યમ (મીડિયન) વળતર 5 ઓક્ટોબર સુધીમાં માઈનસ 0.7% રહ્યું હતું. આ સમયગાળામાં લગભગ 52% શેર્સ ઈશ્યૂ ભાવથી નીચે ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે જાન્યુઆરીથી જૂન 2026 દરમિયાન લિસ્ટ થયેલા 76 SME IPOમાંથી 49% શેર્સ ઓફર પ્રાઈસથી નીચે ટ્રેડ થયા હતા અને તેમનું મધ્યમ વળતર 0.9% રહ્યું હતું.

છેલ્લા એક વર્ષમાં નિફ્ટી SME ઈમર્જ ઈન્ડેક્સમાં 2.63%નો ઘટાડો થયો છે, જ્યારે નિફ્ટી IPO ઈન્ડેક્સમાં 10.5%નો વધારો નોંધાયો છે. નિફ્ટી SME ઈમર્જ ઈન્ડેક્સમાં કુલ 539 શેર્સ સામેલ છે.

બજારના નિષ્ણાતો અને સમીક્ષકોના જણાવ્યા અનુસાર, કેટલીક નાની કંપનીઓ સારા વેલ્યુએશન સાથે મૂડી બજારમાં પ્રવેશે છે, પરંતુ અનેક શેર્સ ઈશ્યૂ ભાવથી નીચા ટ્રેડ થવા લાગ્યા હોવાથી ઘણી કંપનીઓના વેલ્યુએશન અને IPO ભાવ નિર્ધારણ પર શંકા ઉપજે છે. કંપનીઓના IPO ભાવ નિર્ધારણ અને વાસ્તવિક બજાર ભાવ વચ્ચેના મોટા તફાવતને જોતાં કૃત્રિમ ભાવ નિર્ધારણ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગ્રે માર્કેટમાં અવાસ્તવિક ઊંચા પ્રીમિયમની અફવાઓ ફેલાવીને રોકાણકારોને ભોરમાવીને IPO ભરાવવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ તમામ બાબતો પરથી SME IPO સેગમેન્ટમાં મોટાપાયે પોલમપોલ હોવાની શંકા વધુ પ્રબળ બની રહી છે.