આજકાલ ઘણા લોકો પોતાના સ્વાસ્થ્ય પર નજર રાખવા સ્માર્ટવોચ અને અન્ય પહેરી શકાય તેવા ઉપકરણોનો ઉપયોગ કરે છે. આ ઉપકરણો હૃદયના ધબકારા, હૃદયની લય, ઊંઘની ગુણવત્તા અને લોહીમાં ઓક્સિજનના પ્રમાણ જેવી માહિતી આપે છે. પરંતુ એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે: શું સ્માર્તવોચ દેખાતા સામાન્ય આંકડા એ વાતની ખાતરી આપે છે કે વ્યક્તિને સ્ટ્રોક નથી થઈ રહ્યો? આ સવાલનો સીધો જવાબ છે — ના.
દર વર્ષે 29 ઓક્ટોબરે 'વિશ્વ સ્ટ્રોક દિવસ' ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ લોકોમાં સ્ટ્રોક વિશે જાગૃતિ લાવવાનો અને તેના લક્ષણો સમયસર ઓળખવા પર ભાર મૂકવાનો છે.
ગુરુગ્રામ સ્થિત સી.કે. બિરલા હોસ્પિટલના ન્યુરોલોજી વિભાગના સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. મોહિત આનંદના જણાવ્યા અનુસાર, સ્માર્ટવોચને સંપૂર્ણ આરોગ્ય ચકાસણીના ઉપકરણ તરીકે જોવું ભૂલભરેલું છે. તે શરીરના કેટલાક સંકેત ચોક્કસ માપે છે, પરંતુ દરેક તબીબી કટોકટી કે ગંભીર બીમારી ઓળખવા માટે તે સક્ષમ નથી.
સ્માર્ટવોચ મુખ્યત્વે હૃદયના ધબકારા ટ્રેક કરે છે. કેટલીક આધુનિક સ્માર્ટવોચ એટ્રિયલ ફાઇબ્રિલેશન (હૃદયની અનિયમિત લય) પણ પકડી શકે છે. આવી અનિયમિતતા સ્ટ્રોકના વધતા જોખમ સાથે જોડાયેલી હોઈ શકે છે. જો સ્માર્ટવોચ આવી ચેતવણી આપે, તો વ્યક્તિએ તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
અહીં એ સમજવું જરૂરી છે કે સ્ટ્રોક માત્ર હૃદયના ધબકારાની સમસ્યા નથી. સ્ટ્રોક ત્યારે આવે છે જ્યારે મગજના કોઈ ચોક્કસ ભાગમાં લોહીનો પ્રવાહ ગંઠાઈ જવાથી અટકી જાય, અથવા મગજની કોઈ રક્તવાહિની ફાટી જવાથી રક્તસ્રાવ થાય.
આ પરિસ્થિતિઓમાં હૃદયના ધબકારા સામાન્ય હોઈ શકે છે. એટલે કે, સ્માર્ટવોચ પ્રતિ મિનિટ 72ના સામાન્ય ધબકારા બતાવતી હોય તો પણ સ્ટ્રોક આવવાની શક્યતા રહે છે. સ્માર્ટવોચ મગજ સુધી લોહી પહોંચી રહ્યું છે કે નહીં તે જાણી શકતી નથી.
આ જ વાત પગલાંની ગણતરી અને ઊંઘના સ્કોરને પણ લાગુ પડે છે. આ ડેટા દિનચર્યા સમજવામાં મદદરૂપ છે, પરંતુ મગજ યોગ્ય રીતે કામ કરી રહ્યું છે તેની ખાતરી આપતા નથી. સેન્સરનો નબળો સંપર્ક કે શારીરિક હિલચાલને કારણે સ્માર્ટવોચમાં ખોટા આંકડા પણ આવી શકે છે.
જો સ્માર્ટવોચના આંકડા સામાન્ય દેખાતા હોય, તો પણ સ્ટ્રોકના શારીરિક લક્ષણોને અવગણવા નહીં. અચાનક ચહેરો એક તરફ લચી પડવો, હાથ કે પગમાં (ખાસ કરીને શરીરની એક બાજુએ) અચાનક નબળાઈ આવવી, બોલવામાં કે સમજવામાં તકલીફ પડવી, આંખે અંધારા આવવા અથવા અચાનક સંતુલન ગુમાવવું — આ તમામ સ્ટ્રોકના ગંભીર લક્ષણો છે.
કેટલાક કિસ્સામાં થોડીવાર પછી આ લક્ષણો આપોઆપ ગાયબ પણ થઈ શકે છે. તેને 'ટ્રાન્ઝિયન્ટ ઇસ્કેમિક એટેક' (TIA) અથવા મિની-સ્ટ્રોક કહેવાય છે. આવા સમયે પણ તરત જ તબીબી સહાય લેવી અત્યંત આવશ્યક છે.
સ્માર્ટવોચ પહેરવી સારી આદત છે, પરંતુ તેની ચેતવણીઓને ડૉક્ટરની સલાહ લેવા માટેના સંકેત તરીકે જોવી જોઈએ, સંપૂર્ણ નિદાન તરીકે નહીં. સ્વસ્થ રહેવા માટે સંતુલિત આહાર, પૂરતી ઊંઘ, શારીરિક કસરત અને ડૉક્ટર પાસે નિયમિત ચેકઅપ કરાવવું જ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે.