દેશમાં મોબાઈલ ફોનની સ્થાનિક માંગ ઘટી રહી છે. આ સ્થિતિમાં ઉદ્યોગ સંગઠન ઇન્ડિયન સેલ્યુલર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન (ICEA)એ નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને મોબાઈલ ફોન પર લાગતો 18 ટકા જીએસટી ઘટાડીને 5 ટકા કરવાની રજૂઆત કરી છે.
ICEAના ચેરમેન પંકજ મોહિન્દ્રુએ પત્રમાં જણાવ્યું છે કે ઉત્પાદન અને નિકાસમાં ભારત આગળ વધ્યું છે, પણ દેશમાં મોબાઈલનું વેચાણ ઘટી રહ્યું છે. લોકો હવે જૂના ફોન લાંબા સમય સુધી વાપરે છે. બજેટ સેગમેન્ટ પર દબાણ છે. જો સ્થાનિક માંગ ન વધે તો ભવિષ્યમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરની વૃદ્ધિ અટકી શકે છે. એટલે સરકારે મોબાઈલ હેન્ડસેટ અને તેના સ્પેરપાર્ટ્સ પર જીએસટી ઘટાડીને 5 ટકા કરવો જોઈએ.
સંગઠને ઉલ્લેખ કર્યો છે કે ભારતમાં જ આઈફોન બનતા હોવા છતાં ઊંચા ટેક્સ અને રૂપિયાના મૂલ્યમાં ઘટાડાને કારણે તે અમેરિકા કરતાં ઘણા મોંઘા મળે છે. હાલમાં લોન્ચ થયેલી iPhone 18 સિરીઝ અને iPhone Duoના મોડલ્સ અમેરિકાની તુલનામાં ભારતમાં અંદાજે 40,000 રૂપિયાથી લઈને 1.15 લાખ રૂપિયા સુધી વધુ મોંઘા વેચાઈ રહ્યા છે. ટેક્સ ઘટવાથી ગ્રે માર્કેટ અને ટેક્સ ચોરી કરતા વિક્રેતાઓ પર અંકુશ આવશે અને ગ્રાહકો સત્તાવાર બિલ સાથે ફોન ખરીદશે.
ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2020માં મોબાઈલ પર જીએસટી 12 ટકાથી વધારીને 18 ટકા કરવામાં આવ્યો હતો. તેનાથી સામાન્ય વર્ગ માટે ડિજિટલ સાધન મોંઘું બન્યું છે. અહેવાલ મુજબ, છેલ્લા એક વર્ષમાં ભારતમાં એન્ટ્રી-લેવલ સ્માર્ટફોનની કિંમતોમાં અંદાજે 35 થી 45 ટકા સુધીનો વધારો થયો છે. 10,000 રૂપિયાથી ઓછી કિંમતના ફોનનો હિસ્સો ઘટીને બજારમાં માત્ર 5 ટકાથી પણ ઓછો રહી ગયો છે. જો ટેક્સ ઘટશે તો સામાન્ય માણસ માટે સ્માર્ટફોન ફરી સસ્તા થઈ શકશે.
ઉત્પાદનની દ્રષ્ટિએ ભારત આજે વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઈલ ઉત્પાદક દેશ છે. નાણાકીય વર્ષ 2025-26માં મોબાઈલ દેશની સૌથી મોટી નિકાસ ચીજવસ્તુ રહી છે.