સ્માર્ટફોન આજે માત્ર કૉલ કરવા અને મેસેજ મોકલવાનું સાધન નથી રહ્યો. શક્તિશાળી પ્રોસેસર, મોટા ડિસ્પ્લે, 5G સ્પીડ અને USB-C કનેક્ટિવિટીને કારણે તે લેપટોપ અથવા ડેસ્કટોપ કમ્પ્યૂટર જેવાં કામ કરવામાં સક્ષમ બન્યો છે. યોગ્ય એક્સેસરીઝ સાથે તેને પોર્ટેબલ કમ્પ્યૂટરમાં ફેરવી શકાય છે. આ રીતે કરી શકાય છે સેટઅપ:
1. મોટી સ્ક્રીન પર કનેક્ટ કરો
પહેલું પગલું છે ફોનને મોનિટર કે ટીવી સાથે જોડવાનું. જો તમારો ફોન USB-C દ્વારા વિડિઓ આઉટપુટ સપોર્ટ કરે છે, તો USB-C થી HDMI એડેપ્ટર વાપરી શકાય છે. ડોકનો ઉપયોગ કરવાથી મોબાઇલની સ્ક્રીન મોટા મોનિટર પર જોવા મળે છે. ત્યારબાદ કીબોર્ડ અને માઉસ જોડીને વેબ બ્રાઉઝિંગ, દસ્તાવેજ સંપાદન કે ઇમેઇલ મોકલવા જેવાં કામ કરી શકાય છે. બધા ફોન આ સુવિધાને સપોર્ટ કરતા નથી, એટલે એક્સેસરીઝ ખરીદતા પહેલા તમારા ફોન મોડેલની તપાસ કરવી જરૂરી છે.
2. ડેસ્કટોપ મોડનો ઉપયોગ
કેટલાક પ્રીમિયમ સ્માર્ટફોનમાં બિલ્ટ-ઇન ડેસ્કટોપ મોડ હોય છે. દાખલા તરીકે, સેમસંગની ગેલેક્સી શ્રેણીમાં આવતી 'DeX' સુવિધા. સક્રિય કર્યા બાદ ફોનનો ઇન્ટરફેસ કમ્પ્યૂટર જેવો બની જાય છે અને એપ્સ અલગ વિન્ડોમાં ખુલે છે. આ સુવિધા મલ્ટિટાસ્કિંગ માટે ઉપયોગી છે અને એવા વપરાશકર્તાઓ માટે લેપટોપ ખરીદવાની જરૂર નથી રહેતી.
3. કીબોર્ડ-માઉસ વડે ઝડપી ટાઇપિંગ
જો મોટી સ્ક્રીન ન હોય તો બ્લૂટૂથ કીબોર્ડ અને માઉસ સીધા ફોન સાથે જોડી શકાય છે. લાંબા ઇમેઇલ ટાઇપ કરવા કે Google Docs, Microsoft 365 જેવી એપ્લિકેશનમાં કામ કરવું ટચસ્ક્રીન કરતાં ભૌતિક કીબોર્ડથી વધુ સરળ બને છે.
4. USB-C હબથી વર્કસ્ટેશન
USB-C પોર્ટ ધરાવતા ફોન માટે USB-C હબ ખૂબ ઉપયોગી છે. સામાન્ય રીતે હબમાં HDMI, બહુવિધ USB પોર્ટ, ઇથરનેટ કનેક્શન અને મેમરી કાર્ડ સ્લોટ હોય છે. આ સાથે ફોનમાં એક સાથે મોનિટર, કીબોર્ડ અને માઉસ જોડી શકાય છે, જેથી ફોન સંપૂર્ણ વર્કસ્ટેશનમાં ફેરવાઈ જાય છે.
શું લેપટોપનો વિકલ્પ છે?
આ સેટઅપ ખરેખર લેપટોપ બદલી શકે છે કે નહીં તે જરૂરિયાત પર નિર્ભર છે. વેબ બ્રાઉઝિંગ, ઓનલાઈન મીટિંગ, ઇમેઇલ અને હળવું ઓફિસ કામ માટે આધુનિક ફોન પૂરતા છે, પરંતુ ભારે વિડિઓ એડિટિંગ, ગેમ ડેવલપમેન્ટ કે વ્યાવસાયિક સોફ્ટવેર માટે લેપટોપ કે ડેસ્કટોપ વધુ યોગ્ય રહે છે.