સત્ય. સાહસ. સંકલ્પ.

મોબાઇલ એલ્ગોરિધમ તમારા મગજને કેવી રીતે નિયંત્રિત કરે છે? જાણો સાચું સ્વરૂપ

મોબાઇલ એલ્ગોરિધમ તમારા મગજને કેવી રીતે નિયંત્રિત કરે છે? જાણો સાચું સ્વરૂપ

આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન આપણા જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે. પરંતુ શું તમે જાણો છો કે તમારો ફોન તમારા વિશે દરેક વસ્તુ જાણે છે અને તેનો ઉપયોગ તમને પ્રભાવિત કરવા માટે કરે છે? આ લેખમાં આપણે સમજીશું કે કેવી રીતે ટેક કંપનીઓના અલ્ગોરિધમ તમારા મનને નિયંત્રિત કરે છે અને તમારા પૈસાને કેવી રીતે પ્રભાવિત કરે છે.

રાત્રે 1 વાગ્યાનો સમય છે. અમદાવાદના એક અંધારા રૂમમાં મોબાઇલની બ્લુ સ્ક્રીનનું અજવાળું તમારા ચહેરા પર પડી રહ્યું છે. તમે માનો છો કે તમે સાવ એકલા છો, પણ બરાબર એ જ સમયે હજારો કિલોમીટર દૂર અમેરિકાની સિલિકોન વેલીના સર્વરમાં તમારા દરેક ટચ પર અબજો રૂપિયાની લેવડદેવડ થઈ રહી છે.

તમને એમ કે તમે આઝાદ છો? તો જવાબ છે ના, અસલી ખેલ તો હવે શરૂ થયો છે! સર્વેલન્સ કેપિટલિઝમના આ ભયાનક ષડયંત્રે તમારો મત, તમારો મૂડ અને તમારું ખિસ્સું બધું જ હાઈજેક કરી લીધું છે. આ કોઈ જાદુ નથી, પણ મગજના ડોપામાઈનનો ઉપયોગ કરી તમને ગ્રાહકમાંથી સીધા એક પ્રોડક્ટ બનાવવાનું ગંભીર બ્રેઈન હેકિંગ છે.

ચાલો આજે આપણે ડીકોડ કરીએ એલ્ગોરિધમની એ કાળી માયાજાળ, જેને જાણ્યા પછી તમે તમારો પોતાનો જ ફોન અડતા પણ ડરશો!

નમસ્કાર...જો તમને અચાનક ખબર પડે કે આજે સવારે તમે જે કપડાં પહેર્યા, નાસ્તામાં જે ઓર્ડર કર્યું, કે આવતા મહિને તમે જે નવી ગાડી ખરીદવાના છો, એ તમારો પોતાનો નિર્ણય છે જ નહીં તો? જો હું તમને એમ કહું કે કોઈ અદ્રશ્ય તાકાત તમારું મગજ હેક કરીને આ બધું જ તમારી પાસે પરાણે કરાવી રહી છે, તો સૌથી મોટો ઝટકો કોને લાગશે? કદાચ તમને પોતાને જ!

આપણે બધા જ એવું સ્ટ્રોંગલી માનીએ છીએ કે આપણે પૂરી રીતે આઝાદ છીએ. આપણે લોકશાહીમાં આપણો મત આપણી મરજીથી આપીએ છીએ, આપણા પરસેવાની કમાણી આપણી ઈચ્છાથી ખર્ચીએ છીએ. પણ શું ખરેખર હકીકત આવી છે? અત્યારે જ તમારો ફોન બાજુમાં મૂકીને માત્ર બે મિનિટ શાંતિથી વિચારશો, તો તમારા પગ નીચેથી જમીન ખસી જશે.

વાતચીત સાંભળતો તમારો પોતાનો સ્માર્ટફોન

ચાલો રોજબરોજની રિયલ લાઈફનું જ એક ઉદાહરણ લઈએ. ધારો કે રાજકોટ કે સુરતમાં રહેતો કોઈ સામાન્ય યુવાન કે વેપારી રવિવારે બપોરે પોતાના મિત્ર સાથે ડ્રોઈંગ રૂમમાં બેઠો છે. ટેબલ પર બંનેના સ્માર્ટફોન પડેલા છે. એ મિત્રને કહે છે કે, "યાર, ધંધાનો થાક બહુ લાગ્યો છે, આવતા મહિને ચાર દિવસ માટે મનાલી કે ગોવા ફરવા જવા જેવું છે."

આ બંને વચ્ચે માત્ર મોઢેથી વાત થઈ છે. ફોનમાં કોઈએ કંઈ જ સર્ચ નથી કર્યું. પણ બે કલાક પછી જ્યારે એ માણસ ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક ખોલશે, ત્યારે તેને ગોવા અને મનાલીના આકર્ષક ટૂર પેકેજની, સસ્તી ફ્લાઈટની અને લક્ઝરી હોટેલની જાહેરાતો દેખાવા લાગશે.

આવું તમારી સાથે પણ કેટલીય વાર થયું હશે. આપણે સૌ આને જાદુ કે ફોનની સ્માર્ટનેસ માની લઈએ છીએ અને મનોમન ખુશ પણ થઈએ છીએ કે ફોન આપણું કામ સરળ કરી રહ્યો છે. પણ, આ કોઈ જાદુ નથી, આ એક ખૂબ જ કોમ્પ્લેક્ષ અને સાઈન્ટિફિક ગેમ છે.

તમે ગ્રાહક નથી, તમે ખુદ એક પ્રોડક્ટ છો

આ આખી રમત છે ડેટા એલ્ગોરિધમ અને સર્વેલન્સ કેપિટલિઝમની. બહુ ભારેખમ શબ્દોમાં ન પડીએ તો સાવ સાદી ગુજરાતી ભાષામાં સમજીએ. સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટ પર તમને બધું મફત મળે છે, બરાબર ને? ફેસબુક, વોટ્સએપ કે ઇન્સ્ટાગ્રામ વાપરવાના કોઈ પૈસા નથી ચૂકવવા પડતા. પણ બિઝનેસનો ગોલ્ડન રૂલ છે કે જો કોઈ વસ્તુ મફત હોય, તો ત્યાં તમે પોતે જ એક પ્રોડક્ટ છો.

હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના ખૂબ જ જાણીતા પ્રોફેસર શોશના ઝુબોફ આખી સિસ્ટમને સર્વેલન્સ કેપિટલિઝમ એટલે કે દેખરેખ રાખીને થતો વેપાર કહે છે. ગૂગલ, મેટા (ફેસબુક), એમેઝોન અને એપલ જેવી મોટી ટેક કંપનીઓ માટે તમારો અંગત અનુભવ, તમારી પસંદગી, અને તમારી લોકેશન હિસ્ટ્રી... આ બધું જ મફત કાચો માલ છે.

ગુજરાતીઓના ખિસ્સા અને જીવન પર સીધી અસર

હવે કદાચ તમે કહેશો કે, "મારે શું? મારો ડેટા જાય તો ભલે જાય, મને તો ફ્રીમાં એપ વાપરવા મળે છે ને!" પણ અહીં જ તમારાથી સૌથી મોટી ભૂલ થાય છે. આની સીધી અસર તમારા ખિસ્સા અને બેન્ક બેલેન્સ પર પડે છે. ગુજરાતનો સામાન્ય માણસ કે જે પાઈ-પાઈ બચાવીને પોતાના પરિવાર માટે પૈસા ભેગા કરે છે, તેને આ એલ્ગોરિધમ કેવી રીતે લૂંટી રહ્યું છે તે ખાસ સમજો.

તમારી દરેક ઓનલાઈન હિલચાલ પરથી આ ટેક કંપનીઓ તમારું એક સચોટ ડિજિટલ પ્રોફાઇલ તૈયાર કરે છે. તમે ક્યારે ઉદાસ હોવ છો, ક્યારે ખુશ હોવ છો, તે બધું જ એલ્ગોરિધમને ખબર છે. એટલે જ જ્યારે તમને કંટાળો આવતો હોય કે મૂડ ખરાબ હોય, બરાબર ત્યારે જ ફૂડ એપ પરથી ગરમાગરમ ભજિયાં કે ચીઝ પિઝા ઓર્ડર કરવાનું નોટિફિકેશન આવે છે. અને તમે ઈચ્છા ન હોવા છતાં ઓર્ડર કરી દો છો. આનાથી તમારા મહિનાના બજેટમાં મોટું ગાબડું પડે છે અને તમને જાણ પણ થતી નથી.

ડરવાની જરૂર નથી, આમાં જ એક મોટી તક છે

અહીં માત્ર ડરવાની કે ગભરાઈને બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કરી દેવાની કોઈ જરૂર નથી. જો તમે આ ડેટાની માયાજાળને સારી રીતે સમજી જાવ, તો તમે તમારા હજારો રૂપિયા અને કિંમતી સમય બચાવી શકો છો. આ એક અદભુત તક છે ડિજિટલ સ્માર્ટ બનવાની. જો આપણે એલ્ગોરિધમની આ રમત સમજી લઈશું, તો કંપનીઓ આપણને નિયંત્રિત નહીં કરી શકે, પરંતુ આપણે જાગૃત રહીને ટેક્નોલોજીનો લાભ ઉઠાવી શકીશું.