સત્ય. સાહસ. સંકલ્પ.

સ્માર્ટ સિટી મિશનમાં 10,000 કરોડની ગેરરીતિ: CAG રિપોર્ટમાં ખુલાસો

સ્માર્ટ સિટી મિશનમાં 10,000 કરોડની ગેરરીતિ: CAG રિપોર્ટમાં ખુલાસો

નવી દિલ્હી: દેશના નિયંત્રક અને મહાનિયામક (CAG) દ્વારા કેન્દ્ર સરકારના 'સ્માર્ટ સિટી મિશન'ના અમલીકરણની તપાસમાં 10,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સમાં ગંભીર ગેરરીતિઓ સામે આવી છે. આ રિપોર્ટ 2015-2023 દરમિયાન તમિલનાડુ સહિત અનેક રાજ્યોમાં થયેલા કામો પર આધારિત છે, જેમાં મંજૂરી વિના કામો, સરકારી ભંડોળનો દુરુપયોગ અને નિયમોનું ઉલ્લંઘન જેવી બાબતો ઉજાગર થઈ છે.

CAG રિપોર્ટ મુજબ, 1,602.2 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા 52 પ્રોજેક્ટ્સમાં મંત્રાલયના નિયમો સામે મનસ્વી ફેરફાર કરાયા હતા. આ ઉપરાંત, કોઈ પૂર્વ આયોજન વિના 623.86 કરોડ રૂપિયાના 44 પ્રોજેક્ટ્સ શરૂ કરી દેવાયા હતા. નક્કી કરેલા વિસ્તારની બહાર 184.71 કરોડ રૂપિયાના 21 પ્રોજેક્ટ્સ બનાવાયા, જ્યારે 21.42 કરોડ રૂપિયાના 5 પ્રોજેક્ટ્સ તો સામાન્ય કામો માટે જ હતા. સૌથી વધુ ગેરરીતિ તમિલનાડુના તિરુનેલવેલી શહેરમાં જોવા મળી, જ્યાં 314.62 કરોડ રૂપિયાના 15 પ્રોજેક્ટ્સ બિનમંજૂર શરૂ કરાયા.

રિપોર્ટમાં જાહેર થયું છે કે છ શહેરોએ 23.83 કરોડ રૂપિયાનું ભંડોળ એવા ખર્ચમાં વાપર્યું જેને કોઈ મંજૂરી નહોતી. આ નાણાંથી લક્ઝરી કાર, કમ્પ્યુટર, 110 ઈંચનું ટીવી, કોન્ફરન્સ હોલ રિનોવેશન અને કાનૂની ખર્ચ જેવી બાબતો પૂરી કરાઈ. ચેન્નઈ શહેરે જાહેરાતો પાછળ 66.58 લાખ અને સલાહકારો પાછળ 18.44 લાખ રૂપિયા ખર્ચ્યા, જ્યારે ઈરોડ અને સેલમે સીવરેજ કર્મચારીઓના પગાર ચૂકવવા અનુક્રમે 2.59 અને 2.95 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા.

તમિલનાડુ સરકારે જુલાઈથી ઓક્ટોબર 2021 દરમિયાન 1,127 કરોડ રૂપિયા રાજ્યના વિભાગોના ખાતામાં ડાયવર્ટ કર્યા હોવાનું પણ રિપોર્ટમાં નોંધાયું છે. નિયમ મુજબ SPV કંપની બનાવવા 200 કરોડ રૂપિયાની મૂડી જોઈએ, પણ તે માત્ર 10 લાખ રૂપિયામાં બનાવાઈ. ચેન્નઈ સિવાય કોઈ SPVમાં પૂર્ણ-સમય CEO ન હોવાથી મ્યુનિસિપલ કમિશનરો જ તે ચલાવી રહ્યા હતા, જેનાથી હિતોના સંઘર્ષની સ્થિતિ ઊભી થઈ. આ રિપોર્ટ સરકારી યોજનાઓના અમલીકરણ પર ગંભીર સવાલો ઉઠાવે છે.