સત્ય. સાહસ. સંકલ્પ.

નાની બચત યોજનાઓના વ્યાજદર યથાવત, 1 ઓક્ટોબરથી લાગુ

નાની બચત યોજનાઓના વ્યાજદર યથાવત, 1 ઓક્ટોબરથી લાગુ

કેન્દ્ર સરકારે ઓક્ટોબરથી ડિસેમ્બર 2026 ક્વાર્ટર માટે નાની બચત યોજનાઓના વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે બુધવારે આ અંગે સત્તાવાર જાહેરાત કરી. આ નિર્ણય 1 ઓક્ટોબર 2026થી લાગુ થશે.

આ સાથે સરકારે સતત નવમી વખત નાની બચત યોજનાઓના દરો સ્થિર રાખ્યા છે. એટલે કે, પોસ્ટ ઓફિસ અને બેંકોની આ યોજનાઓમાં રોકાણ કરનારા લોકોને અગાઉ મળતું વ્યાજ હવે પણ એટલું જ મળશે.

સુકન્યા સમૃદ્ધિ યોજના અને સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ પર 8.2% વ્યાજ મળશે. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) પર 7.7% અને કિસાન વિકાસ પત્ર (KVP) તથા 5 વર્ષની પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ પર 7.5% વ્યાજ મળશે.

મંથલી ઈન્કમ સ્કીમ (MIS) પર 7.4%, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અને પોસ્ટ ઓફિસની 3 વર્ષની ટાઈમ ડિપોઝિટ પર 7.1% વ્યાજ મળશે. પોસ્ટ ઓફિસની 2 વર્ષની ટાઈમ ડિપોઝિટ પર 7% અને 1 વર્ષની ટાઈમ ડિપોઝિટ પર 6.9% વ્યાજ મળશે. 5 વર્ષની રિકરિંગ ડિપોઝિટ (RD) પર 6.7% અને પોસ્ટ ઓફિસ બચત ખાતા પર 4% વ્યાજ મળશે.

સરકાર દર ત્રણ મહિને નાની બચત યોજનાઓના વ્યાજદરોની સમીક્ષા કરે છે. આ સમીક્ષામાં સરકારી બોન્ડ્સ પર મળતું વળતર, બજારની સ્થિતિ, મોંઘવારી તથા આર્થિક સંજોગો જેવા પરિબળો ધ્યાનમાં લેવાય છે. આ યોજનાઓમાં છેલ્લો સુધારો એપ્રિલ 2024માં કરવામાં આવ્યો હતો. ત્યારે 3 વર્ષની પોસ્ટ ઓફિસ એફડીનો દર 7%થી વધારીને 7.1% અને સુકન્યા સમૃદ્ધિ યોજનાનો દર 8%થી વધારીને 8.2% કરાયો હતો.