સત્ય. સાહસ. સંકલ્પ.

સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સના વ્યાજ દરો યથાવત્: PPF પર 7.1% અને સુકન્યા યોજનામાં 8.2% વ્યાજ ચાલુ રહેશે

સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સના વ્યાજ દરો યથાવત્: PPF પર 7.1% અને સુકન્યા યોજનામાં 8.2% વ્યાજ ચાલુ રહેશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળા માટે નાની બચત યોજનાઓ (સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ)ના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ સાથે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) પર 7.1% અને સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) પર 8.2% વ્યાજ દર યથાવત્ રહેશે.

આ સતત 11મું ત્રિમાસિક ગાળો છે જ્યારે સરકારે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. સરકારે છેલ્લે ડિસેમ્બર 2023માં વ્યાજ દરોમાં વધારો કર્યો હતો. હાલમાં સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ પર વ્યાજ દરો 4%થી 8.2%ની વચ્ચે છે.

સરકાર નાની બચત યોજનાઓના વ્યાજ દરો નક્કી કરતી વખતે દેશમાં રોકડની ઉપલબ્ધતા અને મોંઘવારીની સ્થિતિ પર પણ નજર રાખે છે. આ યોજનાઓની સમીક્ષા દર ત્રણ મહિને કરવામાં આવે છે. વ્યાજ દર નક્કી કરવા માટેનું ફોર્મ્યુલા શ્યામલા ગોપીનાથ સમિતિએ તૈયાર કર્યું હતું, જેમાં સમાન મેચ્યોરિટી ધરાવતા સરકારી બોન્ડના યીલ્ડ કરતાં 0.25%થી 1.00% વધુ વ્યાજ આપવાની સલાહ આપવામાં આવી હતી.

સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ ભારતમાં ઘરગથ્થુ બચતનો મુખ્ય સ્રોત છે. આ યોજનાઓમાં થાપણદારોને તેમના પૈસા પર નિશ્ચિત વ્યાજ મળે છે. આ યોજનાઓમાંથી થતું કલેક્શન નેશનલ સ્મોલ સેવિંગ્સ ફંડ (NSSF)માં જમા કરવામાં આવે છે.

સ્મોલ સેવિંગ્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચી શકાય છે:

  • પોસ્ટલ ડિપોઝિટ: સેવિંગ્સ અકાઉન્ટ, રિકરિંગ ડિપોઝિટ, ટાઇમ ડિપોઝિટ અને મંથલી ઇન્કમ સ્કીમ
  • સેવિંગ્સ સર્ટિફિકેટ: નેશનલ સ્મોલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) અને કિસાન વિકાસ પત્ર (KVP)
  • સોશિયલ સિક્યોરિટી સ્કીમ્સ: સુકન્યા સમૃદ્ધિ યોજના, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અને વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS)