ભારતીય શેરબજારમાં આ અઠવાડિયે છ કંપનીઓ તેમના ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ (IPO) લાવવાની તૈયારીમાં છે. આ કંપનીઓ બજારમાંથી કુલ ₹3,825 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ તમામ IPO 22થી 28 સપ્ટેમ્બર વચ્ચે સબસ્ક્રિપ્શન માટે ખૂલશે. તેમાંથી મોટાભાગના ઇશ્યૂ 23 સપ્ટેમ્બરે ખૂલવાની સંભાવના છે.
આ છ કંપનીઓમાં એલિવેટ કેમ્પસ, વારમોરા ગ્રેનિટો, એ-વન સ્ટીલ્સ ઇન્ડિયા, અરમી ઇન્ફોટેક, સ્વસ્તિક ઇન્ફ્રા અને એડ્રોઇટ ઇન્ડસ્ટ્રીઝ (ઇન્ડિયા)નો સમાવેશ થાય છે.
કંપનીઓના જણાવ્યા અનુસાર, IPOમાંથી મળતી રકમનો ઉપયોગ મૂડી ખર્ચ (કેપેક્સ), બિઝનેસ વિસ્તરણ, દેવું ચૂકવવા, કાર્યકારી મૂડીની જરૂરિયાત અને અન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.
આ અઠવાડિયે આવનારા 6 IPOની વિગતો
1. એલિવેટ કેમ્પસ: હિલહાઉસ ઇન્વેસ્ટમેન્ટના રોકાણ ધરાવતી એલિવેટ કેમ્પસનો IPO આ અઠવાડિયાનો સૌથી મોટો ઇશ્યૂ છે. ₹2,100 કરોડનો આ IPO 23 સપ્ટેમ્બરે ખૂલશે અને 25 સપ્ટેમ્બરે બંધ થશે. કંપનીએ પ્રતિ શેર ₹343-362નો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે. આ સંપૂર્ણ ફ્રેશ ઇશ્યૂ છે, જેમાં ઑફર ફોર સેલ (OFS)નો કોઈ ભાગ નથી. શેરોનું લિસ્ટિંગ 30 સપ્ટેમ્બરે થવાની અપેક્ષા છે.
2. વારમોરા ગ્રેનિટો: કંપનીનો ₹708 કરોડનો IPO 22 સપ્ટેમ્બરથી 24 સપ્ટેમ્બર સુધી ખૂલ્લો રહેશે. પ્રતિ શેર ₹140-148નો પ્રાઇસ બેન્ડ નક્કી કરાયો છે. આ ઇશ્યૂમાં ₹320 કરોડ સુધીનો ફ્રેશ ઇશ્યૂ અને રોકાણકાર કાત્સુરા ઇન્વેસ્ટમેન્ટ્સના ₹388 કરોડ મૂલ્યના 2.62 કરોડ શેરોનો OFS સામેલ છે.
3. એ-વન સ્ટીલ્સ ઇન્ડિયા: આ કંપની IPO દ્વારા ₹405 કરોડ એકત્ર કરવાનો પ્રયાસ કરશે. ઇશ્યૂ 24 સપ્ટેમ્બરે ખૂલશે અને 28 સપ્ટેમ્બરે બંધ થશે. પ્રતિ શેર ₹385-405નો પ્રાઇસ બેન્ડ નક્કી કરાયો છે. તેમાં ₹355 કરોડનો ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટર્સનો ₹50 કરોડ સુધીનો OFS સામેલ છે.
4. અરમી ઇન્ફોટેક: અરમી ઇન્ફોટેક તેનો ₹300 કરોડનો IPO 23 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર દરમિયાન લાવશે. પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર ₹350-375 છે અને આ સંપૂર્ણ ઇશ્યૂ નવા ઇક્વિટી શેરોનો ફ્રેશ ઇશ્યૂ છે.
5. સ્વસ્તિક ઇન્ફ્રા: પાવર ડિસ્ટ્રિબ્યુશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલી EPC સોલ્યુશન્સ પ્રોવાઇડર કંપની સ્વસ્તિક ઇન્ફ્રા IPO દ્વારા ₹161 કરોડ એકત્ર કરશે. ઇશ્યૂ 23 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી ખૂલ્લો રહેશે, પ્રાઇસ બેન્ડ ₹175-185 પ્રતિ શેર છે.
6. એડ્રોઇટ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયા: કંપનીનો ₹151 કરોડનો IPO 23 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી સબસ્ક્રિપ્શન માટે ખૂલ્લો રહેશે. પ્રાઇસ બેન્ડ ₹126-134 પ્રતિ શેર નક્કી કરાયો છે.
સપ્ટેમ્બરમાં અત્યાર સુધીમાં 17 IPO આવી ચૂક્યા
આગામી અઠવાડિયે આવનારા IPO પહેલાં સપ્ટેમ્બરની શરૂઆત પણ વ્યસ્ત રહી છે. આ મહિનામાં અત્યાર સુધીમાં 17 પબ્લિક ઇશ્યૂ આવી ચૂક્યા છે. બીજી તરફ, NSEનો મેગા IPO અને ટેક્સટાઇલ ઉત્પાદક સોનાસિલેક્શન ઇન્ડિયાનો ઇશ્યૂ હાલમાં સબસ્ક્રિપ્શન માટે ખૂલ્લો છે.
આ છ નવા IPO સાથે વર્ષ 2026માં બજારમાં પ્રવેશ કરનારી કંપનીઓની કુલ સંખ્યા 87 સુધી પહોંચી જશે. તેમાં ઑગસ્ટ મહિનામાં આવેલા 23 IPOનો સમાવેશ થાય છે.
OFS અને ફ્રેશ ઇશ્યૂ શું હોય છે?
ફ્રેશ ઇશ્યૂ: તેમાં કંપની નવા શેર જાહેર કરે છે. તેનાથી મળતી રકમ સીધી કંપનીના ખાતામાં જાય છે, જેનો ઉપયોગ બિઝનેસ વધારવા અથવા દેવું ચૂકવવા માટે થાય છે.
ઑફર ફોર સેલ (OFS): તેમાં કંપનીના જૂના શેરહોલ્ડર અથવા પ્રમોટર પોતાના હિસ્સાના શેર વેચે છે. તેનાથી મળતી રકમ સીધી તે શેરહોલ્ડર્સને મળે છે, કંપનીને નહીં.