સત્ય. સાહસ. સંકલ્પ.

બિહારના સિવાનમાં ફટાકડા ભરેલા મકાનમાં વિસ્ફોટ, ચારના મોત; મકાનનો આગળનો ભાગ ધરાશાયી

બિહારના સિવાનમાં ફટાકડા ભરેલા મકાનમાં વિસ્ફોટ, ચારના મોત; મકાનનો આગળનો ભાગ ધરાશાયી

બિહારના સિવાન જિલ્લાના જામો પોલીસ સ્ટેશન વિસ્તારના આલમાપુર ગામમાં શુક્રવારે એક મકાનમાં રાખવામાં આવેલા ફટાકડામાં આગ લાગતાં ભીષણ વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. સિવાનના પોલીસ અધિક્ષક ભારત સોનીએ મોતની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે મૃત્યુઆંક વધી શકે છે.

પોલીસ અધિક્ષકે જણાવ્યું કે વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે મકાનનો આગળનો ભાગ ધરાશાયી થઈને રસ્તા પર પડ્યો હતો. સાંજે પાંચ વાગે ઘટનાની જાણ થઈ હતી. પોલીસે જણાવ્યું કે આ મામલે એફઆઈઆર નોંધવામાં આવશે અને તપાસ કરવામાં આવશે કે ફટાકડાના વ્યવસાય માટે તેમની પાસે લાયસન્સ હતું કે નહીં.

ગ્રામજનોએ જણાવ્યું કે આલમાપુર નિવાસી મોહમ્મદ અમીરુદ્દીન મિયાંના મકાનમાં ફટાકડા રાખવામાં આવ્યા હતા. તેમની પાસે જૂનું લાયસન્સ હતું અને તેઓ છેલ્લા 20 વર્ષથી આ કામ કરી રહ્યા હતા. ફટાકડામાં આગ લાગતાં તે અન્ય ફટાકડા સુધી ફેલાઈ ગઈ, જેના કારણે એક પછી એક સતત વિસ્ફોટો થવા લાગ્યા. લગભગ બે કલાક સુધી વિસ્ફોટોના અવાજો સંભળાતા રહ્યા હતા. વિસ્ફોટની ભયાનકતાથી મૃતદેહો ક્ષત-વિક્ષત થઈ ગયા હતા અને તેમની ઓળખ કરવામાં મુશ્કેલી પડી રહી છે.

પોલીસ અધિક્ષકે જણાવ્યું કે ગામના સરપંચે જાણ કરી છે કે ઘટના સમયે મકાનની અંદર સાત લોકો હાજર હતા. અત્યારે ચાર લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મેડિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બાકીના લોકોની સ્થિતિની પુષ્ટિ કર્યા બાદ જ આખરી આંકડો જણાવી શકાશે. તેમણે વધુમાં જણાવ્યું કે આ વખતે તમામ સર્કલ ઓફિસર (CO) અને પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ (SHO)ને લાયસન્સનું વેરિફિકેશન કરવા માટે કહેવામાં આવ્યું હતું. તે નિર્દેશના અનુસંધાનમાં વેરિફિકેશન થયું હતું અને તેમાં શું ખામીઓ રહી, તેમજ જેની બેદરકારી કે ખામી જણાશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે. પોલીસની તમામ ટીમો અને મેડિકલ ટીમ ઘટનાસ્થળે કાર્યરત છે. બચાવ કામગીરી ચાલુ છે.