સત્ય. સાહસ. સંકલ્પ.

SIR યાદીમાંથી કરોડો નામ કપાયા, પણ શંકાસ્પદ વિદેશી નાગરિક માત્ર 1,600 જ મળ્યા

SIR યાદીમાંથી કરોડો નામ કપાયા, પણ શંકાસ્પદ વિદેશી નાગરિક માત્ર 1,600 જ મળ્યા

ચૂંટણી પંચની વિશેષ સંક્ષિપ્ત સમીક્ષા (SIR) પ્રક્રિયા હેઠળ છ રાજ્યોની મતદાર યાદીમાંથી અંદાજે 1,600 શંકાસ્પદ વિદેશી નાગરિકોના નામ ઓળખાયા છે. આ રાજ્યોમાં કુલ 9.86 કરોડ મતદારો છે અને યાદીમાંથી કરોડો નામો હટાવવામાં આવ્યા હતા, તેની સરખામણીમાં આ આંકડો ઘણો નાનો છે.

મહત્ત્વની વાત એ છે કે ચૂંટણી પંચે રાજ્યોને શંકાસ્પદ વિદેશી નાગરિકોનો અલગથી આંકડો એકત્ર કરવા માટે સ્પષ્ટ નિર્દેશ આપ્યો નહોતો, તેથી ઘણા રાજ્યો પાસે આવો અલગ ડેટા ઉપલબ્ધ નથી.

કર્ણાટકમાં સૌથી વધુ 716 વિદેશી નાગરિકો મળ્યા હતા. રાજ્યની અંતિમ મતદાર યાદીમાંથી કુલ 99.7 લાખ નામો હટાવાયા હતા. બેંગલુરુ નોર્થમાં 545 નેપાળી નાગરિકો સહિત વિદેશીઓ મળ્યા હતા. દક્ષિણ કન્નડમાં 40 વિદેશી નાગરિકો મળ્યા, જેમાં નેપાળના 17, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાના 6-6, કેનેડાના 5, બ્રિટનના 2 તથા નેધરલેન્ડ, દક્ષિણ આફ્રિકા, આયરલેન્ડ અને નાઇજીરિયાના 1-1 નાગરિકનો સમાવેશ થાય છે. ઉડુપીમાં 47 અને ઉત્તર કન્નડમાં 22 વિદેશી નાગરિકો મળ્યા હતા.

તપાસમાં જાણવા મળ્યું કે કેટલાક લોકો પાસે મતદાર ઓળખપત્ર હતું, પરંતુ તેઓ શાળાના પ્રમાણપત્ર કે મિલકત સંબંધિત જરૂરી દસ્તાવેજો રજૂ કરી શક્યા નહોતા.

અન્ય રાજ્યોની સ્થિતિ જોઈએ તો કેરળમાં અંદાજે 500 એવા લોકોની ઓળખ થઈ જેઓ વિદેશી નાગરિકતા ધરાવતા હોવા છતાં તેમના નામ મતદાર યાદીમાં નોંધાયેલા હતા. ગોવામાં વિદેશી પાસપોર્ટ ધરાવતા 419 શંકાસ્પદ લોકોની ઓળખ કરવામાં આવી હતી. ઝારખંડમાં 3 અફઘાની નાગરિકો મળ્યા છે. મેઘાલયમાં નેપાળી મૂળના 2 પુરુષોના નામ મળ્યા હતા, જેમણે ભારતીય મહિલાઓ સાથે લગ્ન કર્યા હતા. તેમના નામ તરત જ હટાવીને મામલો ગૃહ વિભાગને સોંપવામાં આવ્યો હતો. મિઝોરમમાં એક પણ વિદેશી નાગરિકનું નામ મતદાર યાદીમાં મળ્યું નહોતું.

પંજાબ, દિલ્હી, ઉત્તરાખંડ અને તેલંગાણાના ચૂંટણી અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેમની પાસે શંકાસ્પદ વિદેશી નાગરિકોનો કોઈ અલગ ડેટા નથી. પંજાબમાં મતદારોને સામાન્ય શ્રેણીઓ હેઠળ જ વર્ગીકૃત કરાયા હતા. ઉત્તરાખંડના મુખ્ય નિર્વાચન અધિકારીએ જણાવ્યું કે આવો ડેટા એકત્ર કરવો એ ચૂંટણી અધિકારીઓના ક્ષેત્રાધિકાર બહારની બાબત છે. ઓડિશામાં પણ કિસ્સાઓ સામે આવ્યા હતા, પરંતુ તેમની ચોક્કસ સંખ્યા નોંધવામાં આવી નહોતી.

ચૂંટણી પંચના એક વરિષ્ઠ અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે પંચે રાજ્યોને શંકાસ્પદ વિદેશી નાગરિકોની અલગથી યાદી કે આંકડા એકત્ર કરવા માટે કોઈ સ્પષ્ટ નિર્દેશ આપ્યા નહોતા. જૂન 2025માં જ્યારે બિહારથી આ SIR ઝુંબેશ શરૂ કરવામાં આવી, ત્યારે ગેરકાયદેસર રીતે વસેલા વિદેશી નાગરિકોના નામ મતદાર યાદીમાં ઉમેરાઈ જવાની સમસ્યાને આ પ્રક્રિયા શરૂ કરવાનું એક મુખ્ય કારણ બતાવવામાં આવ્યું હતું. પરંતુ હાલ સામે આવેલા આંકડા દર્શાવે છે કે આ બાબતે દરેક રાજ્યમાં ડેટા ભેગો કરવાની પદ્ધતિ એકસમાન રહી નથી; કેટલાકે તેની અલગ નોંધ રાખી છે તો કેટલાકે તેને સામાન્ય શ્રેણીમાં જ વર્ગીકૃત કર્યા છે.