પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ મતદાર યાદી સુધારણા પ્રક્રિયા (SIR)ને લઈને સર્જાયેલો વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)નું કહેવું છે કે મતદાર યાદીમાંથી નામો કાઢી નાખવાના કારણે પાર્ટીને 31 બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો છે. TMCએ દલીલ કરી છે કે આ બેઠકો પર જીત-હારનું અંતર હટાવાયેલા મતો કરતાં ઓછું હતું, તેથી ફરી ચૂંટણી કરાવવી જોઈએ.
બીજી તરફ, ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કરીને આ તમામ દાવાઓને નકારી કાઢ્યા છે અને આંકડાઓની રજૂઆત સામે વાંધો ઉઠાવ્યો છે.
TMCનો આક્ષેપ શું છે?
આ મામલાની શરૂઆત TMC સાંસદ ડેરેક ઓ'બ્રાયન દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાઓથી થઈ હતી. તેમના મતે ચૂંટણીમાં 31 એવી બેઠકો રહી જ્યાં જીતનું અંતર SIR દરમિયાન રદ કરાયેલા મતદારો કરતાં પણ ઓછું હતું. ઉદાહરણ તરીકે, એક બેઠક પર જીત-હારનો તફાવત માત્ર 401 મતોનો હતો, જ્યારે ત્યાંથી 8,785 મતદારોના નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા. આ દલીલના આધારે પરિણામો પર સવાલ ઉઠાવીને ફરી ચૂંટણીની માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે માત્ર હટાવાયેલા નામો અને જીતના અંતરની સરખામણીથી આખી હકીકત સ્પષ્ટ થતી નથી. કોર્ટે એ પણ પૂછ્યું કે શું આ તમામ બેઠકો પર કાયદેસર ચૂંટણી અરજીઓ થઈ છે ખરી?
ચૂંટણી પંચે TMCના આક્ષેપોનો વળતો જવાબ આપ્યો
1. દરેક રદ થયેલું નામ SIR જ્યુડિશિયલ પ્રક્રિયાનું નથી
ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે સામે પક્ષે રજૂ કરાયેલા આંકડાઓમાં ASDD એટલે કે ગેરહાજર, સ્થળાંતરિત, મૃત્યુ પામેલા અને ડુપ્લિકેટ મતદારોનો પણ સમાવેશ કરી દેવાયો છે. આ પ્રકારના નામો યોગ્ય ચકાસણી અને નિયમ મુજબ હટાવાયા હતા, જેથી તેમને ન્યાયિક અધિકારીઓના આદેશથી રદ થયેલા નામો સાથે જોડી શકાય નહીં.
2. ઘણી બેઠકો પર હારનું અંતર રદ થયેલા નામો કરતાં વધુ
પંચે દલીલના સમર્થનમાં ચાર બેઠકોના આંકડા ટાંક્યા છે. દિનહાટામાં હારનો તફાવત 17,447 મતોનો હતો જ્યારે ન્યાયિક તપાસ બાદ રદ થયેલા નામો 17,274 હતા. ખરગ્રામ (SC) બેઠક પર તફાવત 9,333 હતો અને નામો 4,258 રદ થયા હતા. બાલી બેઠક પર અંતર 11,997 હતું અને નામો 11,386 હતા, જ્યારે હાવડા ઉત્તરમાં 11,250 મતોના અંતર સામે 11,179 નામો રદ થયા હતા. એટલે કે અહીં હાર-જીતનું અંતર હટાવાયેલા મતો કરતાં મોટું હતું.
3. માત્ર હારેલી બેઠકો જોઈને નિર્ણય ન થઈ શકે
ચૂંટણી પંચે જણાવ્યું કે જો આ જ તર્ક લાગુ કરવામાં આવે તો TMC જીતી હોય તેવી 21 બેઠકો પણ એવી છે જ્યાં જીતના માર્જિન કરતાં રદ થયેલા નામોની સંખ્યા વધારે હતી. સીતાઈ, કુમારગંજ, હરિરામપુર, રતૂઆ, શમશેરગંજ, સૂતી, લાલગોલા, આમડંગા, કમરહાટી અને મધ્યમગ્રામ જેવી બેઠકો આ યાદીમાં આવે છે. દાખલા તરીકે સીતાઈ બેઠક પર જીતનું અંતર માત્ર 2,721 મતોનું હતું, જ્યારે ત્યાં ન્યાયિક ચકાસણી હેઠળ 20,213 નામો રદ કરવામાં આવ્યા હતા.
SIR વિવાદ પાછળનું મોટું ચિત્ર
પશ્ચિમ બંગાળમાં આ મામલો માત્ર આ 31 બેઠકો પૂરતો સીમિત નથી, પરંતુ મોટા પાયે થયેલી અપીલો સાથે જોડાયેલો છે. ચૂંટણી પંચના 21 સપ્ટેમ્બરના આંકડા મુજબ ટ્રિબ્યુનલ સમક્ષ કુલ 38,31,429 અપીલો આવી હતી. જેમાંથી 22,21,118 અપીલો નામ કપાઈ ગયેલા મતદારો દ્વારા અને 16,10,311 અપીલો ખોટા નામો સામે વાંધો ઉઠાવનારાઓ દ્વારા કરવામાં આવી હતી. આ પૈકી 1,26,194 અપીલોનો નિકાલ થયો હતો અને 37,05,235 અપીલો હજુ પણ પેન્ડિંગ છે. આથી સુપ્રીમ કોર્ટે સમગ્ર પેન્ડિંગ અપીલ વ્યવસ્થાનો ડેટા મંગાવ્યો છે. પંચે એમ પણ કહ્યું કે પરિણામોને પડકારવા માટે ચૂંટણી અરજી જ કાયદેસરનો માર્ગ છે, માત્ર મતદાર યાદીના આંકડાઓના આધારે ચૂંટણી રદ કરી શકાય નહીં.