સત્ય. સાહસ. સંકલ્પ.

પુણે: 400 કરોડની ગેરરીતિ, 8 વર્ષનો પગાર બાકી — હવે CBI, ED અને આવકવેરા તપાસશે

પુણે: 400 કરોડની ગેરરીતિ, 8 વર્ષનો પગાર બાકી — હવે CBI, ED અને આવકવેરા તપાસશે

પુણેની સિંહગઢ ટેક્નિકલ એજ્યુકેશન સોસાયટી (STES) અને તેની સાથે જોડાયેલી 44 શૈક્ષણિક સંસ્થાઓની નાણાકીય ગેરરીતિઓની તપાસ હવે ત્રણ કેન્દ્રીય એજન્સીઓ કરશે. બોમ્બે હાઈકોર્ટે આ મામલે કેન્દ્રીય તપાસ બ્યૂરો (CBI), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને આવકવેરા વિભાગને તપાસના આદેશ આપ્યા છે.

સંસ્થાના શિક્ષકો અને બિનશૈક્ષણિક કર્મચારીઓનો આઠ વર્ષથી વધુ સમયનો પગાર, પેન્શન સહિત 400 કરોડ રૂપિયાથી વધુનો બાકી હોવાનો મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. કર્મચારીઓએ ન્યાય માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી, અને આશરે 220 અરજીઓની સુનાવણી દરમિયાન સંસ્થાના નાણાકીય વ્યવસ્થાપન અને ભંડોળના ઉપયોગ સામે ગંભીર સવાલો ઊભા થયા હતા.

જસ્ટિસ જી.એસ. કુલકર્ણી અને જસ્ટિસ એ.એમ. સેઠનાની વિશેષ પીઠે સંસ્થાના સંચાલકોના વલણ સામે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે સંસ્થાએ તેના આદેશોનું પણ પરવા વિના ઉલ્લંઘન કર્યું છે.

સંચાલકોએ કોર્ટને દિવાળી પહેલાં કર્મચારીઓના બાકી નાણાં ચૂકવવા માટે 60 કરોડ રૂપિયા આપવાનું આશ્વાસન આપ્યું હતું. જોકે આ વચન પૂરું કરવામાં આવ્યું નહીં અને કર્મચારીઓને એક રૂપિયો પણ મળ્યો નહીં. કોર્ટે કહ્યું કે સંસ્થાને મળતી રકમ અન્યત્ર વાળવામાં ન આવે તો જ કર્મચારીઓને તેમનો પગાર મળી શકે છે.

કોર્ટના મતે, પ્રથમ દૃષ્ટિએ એવા નક્કર સંકેતો છે કે કર્મચારીઓને ચૂકવવા માટે ઉપલબ્ધ રકમ અન્યત્ર વાળવામાં આવી હોઈ શકે છે. કોર્ટે એમ પણ કહ્યું કે સંચાલકોની નિષ્ક્રિયતાને કારણે કર્મચારીઓની આજીવિકા પર ગંભીર અસર પડી છે. આ દરમિયાન સંસ્થાના આશરે 13 શિક્ષકોએ આપઘાત કર્યો હોવાનો પણ કોર્ટે ઉલ્લેખ કર્યો હતો.

અગાઉ કોર્ટે ટ્રસ્ટીઓને તેમની સંપત્તિની વિગતો સોગંદનામા મારફતે રજૂ કરવા કહ્યું હતું. આ વિગતોની તપાસ બાદ કોર્ટે આશંકા વ્યક્ત કરી કે શૈક્ષણિક સંસ્થાઓ માટે ઉપલબ્ધ ભંડોળ ગાયબ થયું હોઈ શકે છે અથવા અન્ય વ્યવસાયમાં વાળવામાં આવ્યું હોઈ શકે છે. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રસ્ટ અને ટ્રસ્ટીઓનાં બેન્ક ખાતાં, રોકાણ તથા સંપત્તિ ફ્રીઝ કરવાનો આદેશ અપાયો છે. આ ઉપરાંત આઠ ટ્રસ્ટીઓને કોર્ટના આદેશનું પાલન ન કરવા બદલ અવમાનનાની કાર્યવાહી અંગે કારણદર્શક નોટિસ પણ ફટકારવામાં આવી છે.

કર્મચારીઓના પગાર અને અન્ય ચૂકવણીઓ માટેની રકમ વિદેશ મોકલાઈ હોવાની આશંકાને પગલે મની લોન્ડરિંગના પાસાંની તપાસ ED કરશે. CBI નાણાકીય ગેરરીતિઓ અને ભંડોળ અન્યત્ર વાળવાના આરોપોની તપાસ કરશે, જ્યારે આવકવેરા વિભાગ નાણાકીય વ્યવહારોની તપાસ કરશે. ત્રણેય એજન્સીઓને 19 નવેમ્બર સુધીમાં પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.