દુબઈમાં યોજાનારા કોન્સર્ટના થોડા કલાકો પહેલાં ભારતીય ગાયક નિસાર વાયનાડનું 44 વર્ષની વયે નિધન થયું છે. તેઓ તાવને કારણે હોસ્પિટલમાં દાખલ હતા. તબીબી અહેવાલ મુજબ, ગંભીર ઇન્ફેક્શન અને ઓર્ગન ફેલિયરને કારણે તેમનું અવસાન થયું.
નિસાર વાયનાડ, જેમનું અસલી નામ નિસાર અરોથ ઇબ્રાહિમ હતું, તેઓ કેરળના વાયનાડ જિલ્લાના વતની હતા. તેઓ ઓગસ્ટ મહિનામાં સંગીત કાર્યક્રમોની શ્રેણી માટે યુએઈ ગયા હતા. 5 સપ્ટેમ્બરે અજમાનમાં તેમનો કાર્યક્રમ હતો, પરંતુ તે પહેલાં જ તેમને સખત તાવ આવ્યો અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા.
મેડિકલ રિપોર્ટ મુજબ, તેમના મૃત્યુનું કારણ 'એસિડોસિસ' અને ઓર્ગન ફેલિયર છે. શરીરમાં ગંભીર ઇન્ફેક્શનને કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. તેમના આકસ્મિક અવસાનથી યુએઈમાં વસતા મલયાલી સમુદાયમાં શોક છે. તેઓ ઉદિત નારાયણના અવાજ જેવા જ અવાજ માટે જાણીતા હતા અને તેમણે અનેક મલયાલમ આલ્બમ્સમાં ગીતો ગાયા હતા.