સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં સિંધી સમાજની 'હટડી પૂજા': દિવાળી પર ધંધા-રોજગારમાં બરકત માટે અનોખી પરંપરા

અમદાવાદમાં સિંધી સમાજની 'હટડી પૂજા': દિવાળી પર ધંધા-રોજગારમાં બરકત માટે અનોખી પરંપરા

અમદાવાદમાં સિંધી સમાજે દિવાળી પર્વ પર પોતાની પ્રાચીન 'હટડી પૂજા' પરંપરા ભાવપૂર્વથી ઉજવી છે. ધનતેરસ અને દિવાળીના દિવસે સિંધી પરિવારો ઘરમાં માટીની હટડી લાવી, તેમાં દીવો પ્રગટાવીને લક્ષ્મીજીની વિધિવત પૂજા કરે છે. અમદાવાદના સિંધી વસ્તી ધરાવતા વિસ્તારોમાં આ પરંપરા ઉત્સાહથી નિભાવવામાં આવી છે.

સિંધી પરિવારમાં ઘરના દરેક પુરુષ સભ્ય—નાના બાળકથી લઈને વડીલો સુધી—માટે અલગ હટડી રાખવામાં આવે છે. પરિવારમાં નવો પુત્ર જન્મે કે વંશ વધે તો હટડીની સંખ્યા પણ વધારવામાં આવે છે. દિવાળીની રાત્રે હટડીની મધ્યમાં લક્ષ્મીજીની નાની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરીને દીવો, ધૂપ અને મીઠાઈ અર્પણ કરાય છે.

પૂજા બાદ સજાવેલી હટડીમાં પ્રગટાવેલા દીવાની જ્યોતમાંથી બાજરીના ઠૂઠા કે લાકડી પ્રગટાવીને ઘરની બહાર મૂકી દેવાય છે. ઘરના દરેક સભ્ય આ વિધિ કરે છે, જેનો અર્થ ઘરમાં રહેલો કકળાટ કે નકારાત્મકતા બહાર કાઢવાનો છે.

સિંધી ભાષામાં 'હટ' એટલે દુકાન કે વ્યાપારનું સ્થળ. હટડી એ માટી, લાકડા કે સ્ટીલમાંથી બનાવેલું નાનું ઘર કે દુકાન જેવું માળખું છે. વાંસની લાકડીઓ અને માટીથી અર્ધચંદ્રાકાર ઢાંચો બનાવી, ઉપર નાની દીવી ભરાવી, રંગબેરંગી રંગોથી સજાવીને આ હટડીઓ તૈયાર કરાય છે.

દિવાળીથી લાભ પાંચમ સુધી ચાલતી આ પૂજામાં મુખ્યત્વે વ્યાપારી સમાજ હોવાથી ધંધા-રોજગારમાં બરકતની પ્રાર્થના કરાય છે. પૂજા બાદ સિક્કાઓને કાચા દૂધથી ધોઈને દાંત અડાડવાની અને 'લક્ષ્મી આઈ, દાનત વાઈ' (લક્ષ્મીજી પધાર્યા અને દરિદ્રતા દૂર થઈ) બોલવાની લોકપ્રિય પરંપરા છે.

આ સુંદર હટડીઓ તૈયાર કરવા માટે નરોડા વિસ્તારના કારીગરો છેલ્લા બે મહિનાથી રાત-દિવસ મહેનત કરે છે. આ હટડીઓ અમદાવાદના કુબેરનગર, સરદારનગર, મેમ્કો, જૂના વાડજ, મોટેરા અને સોરાબજી કમ્પાઉન્ડ જેવા વિસ્તારોમાં સારી રીતે વેચાઈ છે.