તમારા ઓળખપત્રના દસ્તાવેજો પર લેવાયેલું સિમ કાર્ડ કોઈ બીજાને વાપરવા આપવું તમને ભારે પડી શકે છે. દૂરસંચાર વિભાગે 21 સપ્ટેમ્બરે નવી એડવાઈઝરી બહાર પાડીને સ્પષ્ટ કર્યું છે કે નકલી ઓળખપત્રથી સિમ ખરીદવા કે વેચવા, અથવા મોબાઈલના IMEI નંબર સાથે છેડછાડ કરવા પર ત્રણ વર્ષ સુધીની જેલ અને ₹50 લાખ સુધીનો દંડ થઈ શકે છે.
સરકારે લોકોને સલાહ આપી છે કે તેઓ સંચાર સાથી પોર્ટલ કે એપ પર જઈને તરત તપાસી લે કે તેમના દસ્તાવેજો પર તેમની જાણ વગર કોઈ અજાણ્યો મોબાઈલ નંબર તો ચાલુ નથી.
છત્તીસગઢની ઘટના બાદ એડવાઈઝરી
દૂરસંચાર વિભાગે આ પગલું છત્તીસગઢમાં બનેલી એક મોટી સાયબર છેતરપિંડી બાદ લીધું છે. ત્યાં સિમ વેચતા એક એજન્ટે લોકોના દસ્તાવેજોનો ખોટો ઉપયોગ કરીને તેમની જાણ વગર 25 નકલી સિમ સક્રિય કરી નાખ્યા હતા.
મામલો સામે આવતાં જ વિભાગે એજન્ટને બ્લેકલિસ્ટ કરી દીધો. રી-વેરિફિકેશનમાં નિષ્ફળ રહેતાં એ તમામ 25 નકલી નંબર તરત જ બંધ કરી દેવાયા.
સિમ ભાડે આપનાર મૂળ ગ્રાહક પણ ફસાશે
વિભાગે સ્પષ્ટ કર્યું છે કે જો તમે તમારા નામે સિમ ખરીદીને બીજા કોઈને વેચો, ભાડે આપો કે સાયબર છેતરપિંડી માટે વાપરવા દો, તો પોલીસ કેસ અને કાનૂની કાર્યવાહી તમારા વિરુદ્ધ પણ થશે.
આ ઉપરાંત ખોટા દસ્તાવેજોથી સિમ લેવું, ઓળખ છુપાવીને છેતરપિંડી કરવી, કે બીજાના નામે આવેલા સિમનો ખોટો ઉપયોગ કરવો પણ ગંભીર ગુનો છે. જ્યારે કોઈ ઠગ ઓળખપત્ર કે પૈસાની લાલચ આપીને સિમ લે છે અને એનાથી સાયબર ગુનો કરે છે, ત્યારે એ સિમને 'મ્યુલ સિમ' કહેવામાં આવે છે.
IMEI નંબર અને કોલિંગ ID બદલવા પર પ્રતિબંધ
એડવાઈઝરી મુજબ, જે ફોનના IMEI નંબરમાં ચેડાં કે ફેરફાર કરવામાં આવ્યો હોય તે ફોન વાપરવો ગેરકાયદે છે. સાથે જ, એપ કે વેબસાઈટ દ્વારા બીજી વ્યક્તિનો નંબર દર્શાવીને કોલ કરવાના (કોલિંગ ID બદલવાના) સાધનો વાપરવા પણ ગુનો છે. સરકારે તેને દેશની સુરક્ષા અને નેટવર્ક માટે મોટો ખતરો ગણાવ્યો છે.
એક વ્યક્તિ પાસે કેટલા સિમ રહી શકે?
ભારતમાં એક વ્યક્તિના નામે વધુમાં વધુ 9 સિમ કાર્ડ રાખવાનો નિયમ ઘણો જૂનો છે. જોકે, જમ્મુ-કાશ્મીર, આસામ અને ઉત્તર-પૂર્વીય રાજ્યો માટે નિયમ અલગ છે. સુરક્ષાના કારણોસર આ રાજ્યોમાં લોકો પોતાના નામે મહત્તમ 6 સિમ કાર્ડ જ રાખી શકે છે.
સરકારે ટેલિકોમ કંપનીઓને ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ વાપરવા જણાવ્યું છે. આ પોર્ટલ પર દેશના તમામ મોબાઈલ વપરાશકર્તાઓનો ડેટા ઉપલબ્ધ છે. નવું સિમ સક્રિય કરતા પહેલાં કંપનીઓ આ પોર્ટલ પર તપાસ કરશે કે તમારા નામે કુલ કેટલા સિમ ચાલી રહ્યા છે.
હદ વટાવનારનો ફોટો પોર્ટલ પર દેખાશે
નિયમો વધુ કડક બનાવવા સરકારે 23 ઓગસ્ટથી ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ પર નવું ફીચર ઉમેર્યું છે. એ હેઠળ, જે લોકો નિર્ધારિત મર્યાદા (9 સિમ) કરતાં વધુ સિમ ધરાવે છે તેમનો ફોટો આ પોર્ટલ પર દેખાવા લાગશે.
તેથી સિમ વેચતી વખતે ડીલરો તરત ઓળખી શકશે કે કયા ગ્રાહકને નવું સિમ આપવાનો ઇનકાર કરવો છે.
30 નવેમ્બર સુધી કંપનીઓને સમય
દૂરસંચાર વિભાગે તમામ ટેલિકોમ કંપનીઓને પોતાની સિસ્ટમ આ નવા સરકારી પ્લેટફોર્મ સાથે સંપૂર્ણ જોડવા માટે 30 નવેમ્બર 2026 સુધીનો સમય આપ્યો છે. ત્યાં સુધી કંપનીઓએ પોતાની સમગ્ર પ્રક્રિયા સુધારવી પડશે, જેથી કોઈ વધારાનું સિમ સક્રિય ન થઈ શકે.