સત્ય. સાહસ. સંકલ્પ.

ચાંદીમાં મોટો કડાકો: રેકોર્ડ હાઈથી 1.77 લાખ રૂપિયા સસ્તી, સોનું ટક્યું મજબૂત

ચાંદીમાં મોટો કડાકો: રેકોર્ડ હાઈથી 1.77 લાખ રૂપિયા સસ્તી, સોનું ટક્યું મજબૂત

ગુરુવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર બજાર ખૂલતાં જ સોના અને ચાંદીના ભાવમાં વિપરીત ચાલ જોવા મળી. ચાંદીમાં ભારે ઘટાડો નોંધાયો, જ્યારે સોનામાં થોડો ઉછાળો આવ્યો.

MCX પર 4 ડિસેમ્બરની એક્સપાયરી વાળી ચાંદીનો ભાવ પાછલા કારોબારી દિવસે પ્રતિ કિલોગ્રામ 2,44,213 રૂપિયા પર બંધ થયો હતો. ગુરુવારે બજાર ખૂલતાંની સાથે જ તે 2,42,726 રૂપિયા પર આવી ગયો. એટલે કે એક જ ઝાટકે 1 કિલો ચાંદી 1,487 રૂપિયા સસ્તી થઈ ગઈ.

આ ઘટાડા સાથે ચાંદી તેના ઓલ ટાઇમ હાઈ સ્તરથી ઘણી નીચે આવી ગઈ છે. જાન્યુઆરી 2026ના છેલ્લા અઠવાડિયામાં ચાંદીએ જોરદાર ઉછાળો નોંધાવીને પહેલી વાર પ્રતિ કિલો 4 લાખ રૂપિયાની ઐતિહાસિક સપાટી વટાવી હતી અને 4,20,048 રૂપિયાના ઉચ્ચ સ્તરે પહોંચી હતી. હાલના ભાવ સાથે સરખામણી કરીએ તો વાયદા બજારમાં 1 કિલો ચાંદી પોતાના રેકોર્ડ હાઈ સ્તરથી અત્યાર સુધીમાં 1,77,322 રૂપિયા સસ્તી થઈ ચૂકી છે.

બીજી તરફ, સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો. MCX પર 5 ઓક્ટોબરની એક્સપાયરી વાળા સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ આશરે 200 રૂપિયા વધીને 1,53,963 રૂપિયા પર પહોંચી ગયો. જોકે, કારોબારની શરૂઆતમાં તેમાં થોડી નરમાઈ પણ જોવા મળી હતી.

સપ્ટેમ્બર મહિનામાં સોનાની ચાલચાલુ તપાસીએ તો, 31 ઓગસ્ટના રોજ MCX પર વાયદા બજાર બંધ થયું ત્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 1,54,460 રૂપિયા હતો. તેની સામે ગુરુવારના કારોબાર દરમિયાન સોનું લગભગ 500 રૂપિયા સસ્તું જોવા મળી રહ્યું છે.

સ્થાનિક હાજર બજારની વાત કરીએ તો, ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA)ની વેબસાઇટ મુજબ 24 કેરેટ 10 ગ્રામ સોનાનો દર 1,53,486 રૂપિયા નોંધાયો છે, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 2,35,249 રૂપિયા ચાલી રહ્યો છે.

ગ્રાહકોએ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે સ્થાનિક બજારમાંથી દાગીના ખરીદતી વખતે નિર્ધારિત GST અને મેકિંગ ચાર્જ અલગથી ચૂકવવો પડે છે, જેના કારણે આખરી કિંમતમાં વધારો થાય છે.