ભારતમાં તહેવારોની મોસમ ચાલી રહી છે. દિવાળી અને ધનતેરસ પર સોના-ચાંદીની ખરીદી વધે છે. આ સમયે સરકારે ચાંદીની આયાત માટે મોટો નિર્ણય લીધો છે.
કેન્દ્ર સરકારે આગામી છ મહિના માટે લગભગ 6,500 મેટ્રિક ટન ચાંદીની આયાત કરવાની પરવાનગી આપી છે. રોઇટર્સના અહેવાલ મુજબ, આયાતની પરવાનગી મેળવનારા ચાર મોટા બુલિયન વેપારીઓએ આ માહિતીની પુષ્ટિ કરી છે. સરકારના આ પગલાંથી તહેવારો દરમિયાન ચાંદીની અછત નહીં થાય તેવી ધારણા છે.
ભારત વિશ્વમાં ચાંદીનો સૌથી વધુ વપરાશ કરતા દેશોમાંનો એક છે. દેશની 80 ટકાથી વધુ ચાંદીની જરૂરિયાત આયાત દ્વારા પૂરી થાય છે. હવે મોટા જથ્થામાં ચાંદી આવશે તો સ્થાનિક બજારમાં પુરવઠો વધશે. નિષ્ણાતો માને છે કે સપ્લાય વધવાથી ભાવ પર અસર પડી શકે છે. સામાન્ય રીતે તહેવારોમાં માંગ વધતાં ભાવ ઊંચા જાય છે, પરંતુ આ વખતે ભાવ સ્થિર રહે અથવા થોડી રાહત મળે તેવી શક્યતા છે.
જોકે, સરકારના આ નિર્ણયથી બજારના નિષ્ણાતો અને વેપારીઓ આશ્ચર્યમાં છે. કારણ કે હાલ બજારમાં ચાંદીની માંગ ઓછી છે. છેલ્લા કેટલાક સમયથી ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. સામાન્ય રીતે ભાવ ઘટે ત્યારે ખરીદી વધવી જોઈએ, પણ અત્યારે ઊલટું જોવા મળે છે. ભાવ વધુ ઘટવાના ડરથી વેપારીઓ અને રોકાણકારો નવી ખરીદી ટાળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સરકારે થોડા સમય પહેલાં ચાંદીની આયાત પર કડક નિયંત્રણો લાદ્યા હતા. મે મહિનામાં લગભગ તમામ પ્રકારની ચાંદીની આયાત પર તાત્કાલિક પ્રતિબંધ મૂકાયો હતો. જૂનમાં ચાંદીના દાણા અને પાવડરની આયાત પર રોક લગાવાઈ હતી અને પરવાનગી ફરજિયાત કરાઈ હતી. સરકારનો હેતુ વિદેશી હૂંડિયામણ પરનું દબાણ ઘટાડવાનો અને રૂપિયાને મજબૂત કરવાનો છે.
હવે સરકારે 6,500 મેટ્રિક ટન ચાંદીની આયાતની મંજૂરી આપી છે. આ નિર્ણય તહેવારોની માંગને પહોંચી વળવા અને બજારમાં અછત ન સર્જાય તે માટે લેવાયો છે. તેનાથી સ્થાનિક બજારમાં ચાંદીનો મોટો જથ્થો ઉપલબ્ધ થશે.