તહેવારોની મોસમ શરૂ થતાં સોના-ચાંદીની ખરીદી વધી છે. આ દરમિયાન ચાંદીના દાગીનામાં છેતરપિંડી ટાળવા સરકારે હવે ચાંદી પર પણ હોલમાર્કિંગ ફરજિયાત કરવાનો નિર્ણય લીધો છે.
હાલમાં સોના માટે હોલમાર્કિંગ ફરજિયાત છે, જ્યારે ચાંદી માટે તે સ્વૈચ્છિક છે. પરંતુ આગામી મહિનાથી ચાંદીના દાગીના માટે પણ હોલમાર્કિંગ ફરજિયાત બનશે. આ સંદર્ભમાં 25,000થી વધુ ઝવેરીઓએ BIS (બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ) સાથે નોંધણી કરાવી છે. ઉપરાંત, દેશના 102 જિલ્લાઓમાં 341 કેન્દ્રો (AHCs) કાર્યરત છે.
હોલમાર્કિંગ હેઠળ દરેક ચાંદીના દાગીના પર BIS લોગો, 'SILVER' શબ્દ, શુદ્ધતા ગ્રેડ અને 6-અંકનો HUID નંબર લેસરથી અંકિત કરવામાં આવશે. ગ્રાહકો 'BIS CARE' એપ્લિકેશન દ્વારા HUID નંબર નાખીને દાગીનાની સંપૂર્ણ માહિતી અને શુદ્ધતા ચકાસી શકશે.
BIS દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણ મુજબ, 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 345 જિલ્લાઓમાં 4,971 લોકોના પ્રતિભાવો મળ્યા હતા. તેમાં જાણવા મળ્યું કે 10થી 50 ગ્રામ વજનની ચાંદીની વસ્તુઓની માંગ સૌથી વધુ (74%) છે. પાયલ, ચેઈન, વીંટી અને બ્રેસલેટ જેવી વસ્તુઓ વધુ વેચાય છે.
બજારમાં 925 અને 800 શુદ્ધતા ગ્રેડ ધરાવતી ચાંદીનું વર્ચસ્વ છે, જે કુલ હોલમાર્ક કરેલી વસ્તુઓમાં 95% હિસ્સો ધરાવે છે. ચાંદીના હોલમાર્કિંગના જથ્થામાં દક્ષિણ ભારત 62% સાથે મોખરે છે, ત્યારબાદ પશ્ચિમ ક્ષેત્ર 18% અને મધ્ય ક્ષેત્ર 10% હિસ્સો ધરાવે છે.
હોલમાર્ક વગરની ચાંદી ખરીદવાથી ભવિષ્યમાં વેચતી વખતે આર્થિક નુકસાન થઈ શકે છે, કારણ કે શુદ્ધતા ઓછી નીકળે તો બજાર ભાવ કરતાં ઓછા પૈસા મળે છે. આથી ગ્રાહકોએ ખરીદી કરતી વખતે હોલમાર્ક અને HUID નંબર ચકાસવો જરૂરી છે.