દાદરા અને નગર હવેલીના સેલવાસ ખાતે આવેલી સરકારી નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં MBBS અભ્યાસક્રમની બેઠકો વધારવામાં આવી છે. કેન્દ્ર સરકારે શૈક્ષણિક વર્ષ 2026-27 માટે આ સંસ્થાની બેઠકો 177 થી વધારીને 200 કરવાની સત્તાવાર મંજૂરી આપી છે. જેમાં 23 નવી બેઠકોનો સમાવેશ થાય છે.
અગાઉ આ કોલેજમાં ઓલ ઇન્ડિયા ક્વોટા હેઠળ 27 બેઠકો, દાદરા અને નગર હવેલીના વિદ્યાર્થીઓ માટે 55 બેઠકો, દમણ-દીવના વિદ્યાર્થીઓ માટે 55 બેઠકો, એનઆરઆઈ માટે 22 બેઠકો, મેનેજમેન્ટ ક્વોટા માટે 15 બેઠકો અને સ્પેશિયલ કેટેગરી માટે 3 બેઠકો મળીને કુલ 177 બેઠકો હતી. હવે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે 23 નવી બેઠકો મંજૂર કરતાં કુલ બેઠકોની સંખ્યા 200 થઈ છે.
આ નિર્ણયથી તબીબી અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને વધુ તક મળશે. નવી બેઠકો શૈક્ષણિક વર્ષ 2026-27 થી લાગુ થશે. આ પગલાથી કેન્દ્રશાસિત પ્રદેશમાં આરોગ્ય સેવાઓ અને તબીબી શિક્ષણને વેગ મળવાની અપેક્ષા છે.