સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં સિકલીગર ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, 8 ચોરીના ગુના ઉકેલાયા

અમદાવાદમાં સિકલીગર ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, 8 ચોરીના ગુના ઉકેલાયા

અમદાવાદ શહેર પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ઝોન-8એ 'ઓપરેશન હન્ટ' હેઠળ કુખ્યાત સિકલીગર ગેંગના મુખ્ય સૂત્રધાર શેરસિંગ ઉર્ફે શેરૂ કાલુસિંગ તેલપીતીયાની ધરપકડ કરી છે. બાતમીના આધારે રામોલના વડુ તળાવ પાસેથી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.

ધરપકડાયેલો આરોપી મૂળ ખંભાતનો રહેવાસી છે. પોલીસના જણાવ્યા મુજબ, તે પોતે ગેંગનું સંચાલન કરતો હતો અને અન્ય સભ્યોને ચોરી માટે માર્ગદર્શન આપતો હતો. પોલીસે તેની પાસેથી મુદ્દામાલ કબજે કર્યો છે.

ગેંગની કાર્યપદ્ધતિ ખૂબ ચાલાકીપૂર્ણ હતી. સભ્યો રિંગ રોડ આસપાસ તેમની મોંઘીદાટ કાર પાર્ક કરતા. ત્યારબાદ ઓળખ છુપાવવા માટે નજીકના વિસ્તારમાંથી બાઇક ચોરી લેતા અને પહેલેથી રેકી કરેલા બંધ મકાનો, દુકાનો કે ગોડાઉનમાં રાત્રિના સમયે તાળાં તોડીને રોકડ અને દાગીનાની ચોરી કરતા. ચોરી બાદ ચોરેલું બાઇક અવાવરૂ જગ્યાએ મૂકીને તેઓ તેમની અસલ કારમાં નીકળી જતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ સામે રાજ્યભરમાં 30થી વધુ ગુના નોંધાયેલા છે. આરોપી અગાઉ વડોદરા, નડિયાદ, આંબલીયારા, જેતપુર અને બાલાસિનોર વિસ્તારોમાં પણ ચોરી અને લૂંટ જેવા ગંભીર ગુનાઓમાં સામેલ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

LCB ઝોન-8એ રામોલ પોલીસ સ્ટેશનના 3, વટવા GIDC પોલીસ સ્ટેશનના 3 અને અમરાઈવાડી પોલીસ સ્ટેશનના 2 મળીને કુલ 8 ચોરીના ગુનાઓ ઉકેલી કાઢ્યા છે. પોલીસે ગેંગના અન્ય સાગરીતોની શોધખોળ શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.