5 જૂન 1984. ખાલિસ્તાની ચરમપંથી નેતા જરનૈલ સિંહ ભિંડરાંવાલેએ સેંકડો હથિયારબંધ સાથીઓ સાથે અમૃતસરના સ્વર્ણ મંદિર પરિસરમાં આવેલા અકાલ તખ્ત પર કબજો કરી લીધો હતો. શીખોની સૌથી મોટી ધાર્મિક સંસ્થા અકાલ તખ્ત પરથી તે અલગ સરકાર ચલાવવાનો દાવો કરી રહ્યો હતો.
તેણે જાહેર કર્યું હતું કે 10 જૂન સુધીમાં સમગ્ર પંજાબ પર કબજો કરીને અલગ દેશ ‘ખાલિસ્તાન’ બનાવવામાં આવશે.
ભારતીય સેનાએ ગુરુદ્વારાને ચારેય તરફથી ઘેરી લીધું હતું. ભિંડરાંવાલેને વિશ્વાસ હતો કે સેના પવિત્ર ગુરુદ્વારાની અંદર પગ નહીં મૂકે.
સાંજે લગભગ સાડા ચાર વાગ્યે લાઉડસ્પીકર પર સેનાના અધિકારીઓએ આહ્વાન કર્યું – ‘હથિયાર હેઠા મૂકીને સરેન્ડર કરી દો.’ પરંતુ અંદરથી કોઈ બહાર આવ્યું નહીં.
રાત્રે સાડા દસ વાગ્યે સેના ગુરુદ્વારામાં ઘૂસી, ત્યારે અંદરથી ગોળીબાર શરૂ થઈ ગયો. સેનાએ બખ્તરબંધ ગાડીઓ મોકલી, પણ ચરમપંથીઓએ રોકેટ લોંચરથી એ ગાડીઓને નિશાન બનાવી. કેટલાક જવાન શહીદ થયા.
આખરે સેનાએ ટેન્ક બોલાવવાનો નિર્ણય કર્યો. સવારે પાંચ વાગ્યે અકાલ તખ્તના ઉપરના ભાગને નિશાન બનાવીને ટેન્કમાંથી ગોળા છોડવામાં આવ્યા. એક પછી એક લગભગ 80 ગોળા છોડાયા. એક કલાકના ભારે ગોળીબાર બાદ અંદરથી ગોળીબાર બંધ થઈ ગયો.
સવારે દસ વાગ્યે સેના અંદર દાખલ થઈ. અકાલ તખ્તના આંગણામાં ભિંડરાંવાલેની લાશ પડી હતી. તેના 300થી વધુ સાથીઓ અને લગભગ 100 સૈનિકો માર્યા ગયા.
અકાલ તખ્તની મુખ્ય ઇમારત તબાહ થઈ ગઈ. સ્વર્ણ મંદિરને પણ ભારે નુકસાન પહોંચ્યું. આ ઘટનાથી દેશભરના શીખોની ધાર્મિક ભાવનાઓ ભડકી ઊઠી. ભારતીય સેનાનું આ અભિયાન ‘ઓપરેશન બ્લૂ સ્ટાર’ તરીકે ઓળખાયું.
જરનૈલ સિંહ ભિંડરાંવાલેની ઓળખ માટે તેમની લાશ અમૃતસરના ઘંટા ઘરના મુખ્ય દરવાજા પર રાખવામાં આવી હતી.
પરંતુ અસલી મુશ્કેલી હજુ શરૂ થવાની હતી.
8 જૂન 1984. અમૃતસરથી લગભગ 1663 કિમી દૂર, બિહારના રાંચી જિલ્લામાં આવેલું રામગઢ શીખ રેજિમેન્ટલ સેન્ટર. છાવણીમાં બધું સામાન્ય દિવસો જેવું હતું. જવાનો ડ્યુટી પર, અધિકારીઓ પોતપોતાની ઓફિસમાં.
આ દરમિયાન સિપાઈ ગુરનામ સિંહ ડેપ્યુટી કમાન્ડન્ટ કર્નલ જગદેવ સિંહ પાસે પહોંચ્યો. ચહેરા પર ગુસ્સો, પણ અવાજ શાંત. તેણે કહ્યું – ‘સર, અમૃતસરમાં જે થયું, તે ખોટું થયું. હું અમૃતસર જવા માંગુ છું.’
કર્નલ જગદેવ સિંહે કહ્યું – ‘ત્યાં જવાની મંજૂરી નથી.’
ગુરનામ સિંહ ક્ષણભર ઊભો રહ્યો. ચૂપચાપ ફરી ગયો અને ચાલ્યો ગયો. તે રાત્રે તેણે જમ્યું નહીં. જાણે તેની અંદર કંઈક ઊકળી રહ્યું હોય. આ અશાંતિ ફક્ત ગુરનામ સિંહ સુધી સીમિત નહોતી. છાવણીના ઘણા શીખ સૈનિકો આ જ રીતે બેચેન હતા.
બે દિવસ પછી, 10 જૂન 1984, સવારે દસ વાગ્યે છાવણીના ગુરુદ્વારામાં સેંકડો શીખ સૈનિકો ભેગા થયા. શબદ-કીર્તન થયું, સંગત ઊભી થઈ, પછી અરદાસ થઈ.
સૈનિકોએ માથું ટેકવ્યું, પ્રસાદ લીધો અને આગળ વધવા લાગ્યા. પણ બહાર આવતાં જ બધું બદલાઈ ગયું. જવાનો બેરેક તરફ જવાને બદલે શસ્ત્ર ભંડાર તરફ વધવા લાગ્યા.
તેમના પગલાં ઝડપી થઈ ગયા અને તેમના નારા યુદ્ધ ઘોષમાં ફેરવાઈ ગયા – ‘જો બોલે સો નિહાલ... સત શ્રી ਅકાલ!’
જવાનોએ શસ્ત્રાગારનો દરવાજો તોડી નાખ્યો. હથિયારો કાઢી લીધા. દારૂગોળો લઈને બહાર આવી ગયા. આ પછી ત્યાં ઊભેલી ગાડીઓ પર કબજો કરી લીધો.
આ સમાચાર છાવણીમાં આગની જેમ ફેલાઈ ગયા. જનરલ ઓફિસર ઇન કમાન્ડ (જીઓસી) બ્રિગેડિયર એસ. સી. પુરી તરત જ કાર લઈને શસ્ત્રાગાર પહોંચી ગયા. તેમણે સૈનિકોને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં પરિસ્થિતિ હાથમાંથી નીકળી ચૂકી હતી.
જવાનોએ ગોળીબાર કરી દીધો. ભાગદોડ મચી ગઈ. એક ગોળી એસ. સી. પુરીને વાગી, બીજી તેમના શીખ ડ્રાઇવરને. તેમને હોસ્પિટલ લઈ જવાયા, પણ બંનેને બચાવી શકાયા નહીં. બ્રિગેડિયર પુરીના સાથી ડેપ્યુટી કમાન્ડન્ટ કર્નલ જગદેવ સિંહ પણ ગંભીર રીતે ઘાયલ થયા.
શસ્ત્રાગારમાંથી હથિયારો અને ટ્રક લૂંટીને સૈનિકો અમૃતસર તરફ નીકળી પડ્યા. છાવણીમાં હથિયારબંધ સૈનિકો ફરી રહ્યા હતા. શીખ સૈનિકોને લાગતું હતું કે તેમના સૌથી મોટા ધાર્મિક સ્થાનનું અપમાન થયું છે.
તેમણે ટ્રકો અને બીજી ગાડીઓ પર કબજો કરીને છાવણીની બહાર નીકળી ગયા. રામગઢ શહેરમાં પહોંચીને કેટલાક સામાન્ય લોકોની ગાડીઓ પણ ઝૂંટવી લીધી. લગભગ 1400 સૈનિકોનો કાફલો અમૃતસર તરફ આગળ વધી રહ્યો હતો.
રામગઢથી લગભગ 450 કિમી દૂર સક્તેશગઢ, મિર્ઝાપુર રેલ્વે સ્ટેશન પાસે તેમને રોકવાનો પ્રયાસ થયો, પણ મોટાભાગના સૈનિકો ત્યાંથી બચીને નીકળી ગયા.
વારાણસી પહોંચતાં જ સૈનિકોએ પોતાને અલગ-અલગ ટુકડીઓમાં વહેંચી લીધા, જેથી બધા એકસાથે પકડાઈ ન જાય.
કાફલો વારાણસીથી બહાર નીકળ્યો ત્યારે 21મી મેકનાઇઝ્ડ રેજિમેન્ટે રસ્તો રોકી લીધો. બળવાખોર સૈનિકોને ઘેરીને ધરપકડ કરી લેવામાં આવી.
એક ટુકડી બચીને નીકળી ગઈ, જેને અલ્લાહાબાદ નજીક સેનાની માઉન્ટેન ડિવિઝન અને પગપાળા સેનાની યુનિટોએ ચારેય તરફથી ઘેરી લીધી.
થોડીવાર સુધી બંને તરફથી જોરદાર ગોળીબાર થતો રહ્યો. આ એન્કાઉન્ટરમાં 47 બળવાખોર સૈનિકો માર્યા ગયા.
આ ઘટના ઓપરેશન બ્લૂ સ્ટારના ચાર મહિના પછી 31 ઓક્ટોબર 1984ના રોજ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા સુધી પહોંચી. તેમના બે અંગરક્ષકોએ ઓપરેશન બ્લૂ સ્ટારનો બદલો લેવાના ઇરાદે તેમની હત્યા કરી હતી.