સત્ય. સાહસ. સંકલ્પ.

સાઇબેરિયામાં પર્માફ્રોસ્ટ પીગળી રહ્યું છે, મિથેન ઉત્સર્જનમાં 13 વર્ષમાં 1.32 કરોડ ટનનો વધારો

સાઇબેરિયામાં પર્માફ્રોસ્ટ પીગળી રહ્યું છે, મિથેન ઉત્સર્જનમાં 13 વર્ષમાં 1.32 કરોડ ટનનો વધારો

વૈશ્વિક તાપમાનમાં થઈ રહેલા સતત વધારાએ રશિયાના સાઇબેરિયા પ્રદેશમાં એક ગંભીર પર્યાવરણીય સંકટ ઊભું કર્યું છે. 6 ઓગસ્ટે વિખ્યાત 'સાયન્સ જર્નલ'માં પ્રકાશિત થયેલા એક વિસ્તૃત સંશોધન મુજબ, સાઇબેરિયામાં વધતી ગરમીથી જમીન નીચેનું સદીઓ જૂનું બરફ (પર્માફ્રોસ્ટ) પીગળી રહ્યું છે અને જંગલોમાં આગ લાગી રહી છે. આ બંને કારણોસર વાતાવરણમાં મોટા પ્રમાણમાં મિથેન વાયુ ભળી રહ્યો છે, જે પૃથ્વીનું તાપમાન વધારી શકે તેવો શક્તિશાળી ગ્રીનહાઉસ ગેસ છે.

સંશોધન દર્શાવે છે કે મધ્ય રશિયામાંથી વહેતી 'યેનિસેઈ' નદી સાઇબેરિયાને બે અલગ આબોહવા ક્ષેત્રોમાં વહેંચી રહી છે. નદીની પશ્ચિમ અને પૂર્વ તરફના વિસ્તારોમાં તદ્દન વિપરીત હવામાન ફેરફારો નોંધાઈ રહ્યા છે, પરંતુ બંને વિસ્તારોમાં મિથેન ઉત્સર્જન વધી રહ્યું છે.

પશ્ચિમ સાઇબેરિયા: અહીં ગરમીની સાથે ભેજનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આ વિસ્તાર હવામાનના 'સ્કેન્ડિનેવિયન પેટર્ન'થી પ્રભાવિત છે. ગ્લોબલ વોર્મિંગને કારણે આ પેટર્ન ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાંથી ગરમ અને ભેજવાળી હવાને પશ્ચિમ સાઇબેરિયા તરફ ધકેલી રહી છે. આનાથી જમીન નીચેનું પર્માફ્રોસ્ટ ઝડપથી પીગળે છે. પૃથ્વીના ઉત્તર ગોળાર્ધનું લગભગ 46% પર્માફ્રોસ્ટ એકલા સાઇબેરિયામાં આવેલું છે. આ બર્ફીલી જમીન નીચે હજારો વર્ષોથી કાર્બનનો વિશાળ જથ્થો સંગ્રહિત છે. જ્યારે આ જમીન પીગળે છે, ત્યારે જમીનમાં રહેલા સૂક્ષ્મજીવાણુ સક્રિય થાય છે અને કાર્બનને તોડીને મિથેન ગેસમાં ફેરવે છે, જે સીધો વાતાવરણમાં છૂટો થાય છે.

પૂર્વી સાઇબેરિયા: અહીં પરિસ્થિતિ તદ્દન ઉલટી છે. આ વિસ્તાર 'આર્કટિક ઓસિલેશન' નામની આબોહવા પેટર્નથી પ્રભાવિત છે. આબોહવા પરિવર્તનને કારણે અહીં સતત ઊંચા દબાણવાળી પ્રણાલીઓ બની રહી છે. પરિણામે વાદળોનું આવરણ ઘટ્યું છે, ગરમીના તરંગો તીવ્ર બન્યા છે અને હવામાન અત્યંત સૂકું થઈ ગયું છે. આવા શુષ્ક વાતાવરણમાં જંગલોમાં આગ લાગવાનું જોખમ ઘણું વધી જાય છે. જંગલ અને વનસ્પતિ બળવાથી હવામાં મિથેન સહિતના શક્તિશાળી ગ્રીનહાઉસ વાયુઓ ભળે છે. પૂર્વી સાઇબેરિયા પશ્ચિમ કરતાં વધુ ઝડપથી ગરમ થઈ રહ્યું છે. જંગલની આગ માત્ર વૃક્ષોને જ નથી બાળતી, પણ જમીનને ગરમ કરીને નીચેના પર્માફ્રોસ્ટને પણ પીગળાવી રહી છે.

13 વર્ષમાં મિથેન ઉત્સર્જનમાં મોટો વધારો: મિથેન ઉત્સર્જન માપવા માટે વૈજ્ઞાનિકોએ વર્ષ 2010થી 2023 વચ્ચેના 13 વર્ષના સમયગાળાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. આ દરમિયાન સાઇબેરિયામાંથી મિથેન ઉત્સર્જનમાં દર વર્ષે આશરે 5%નો સતત વધારો નોંધાયો. એકંદરે આ 13 વર્ષોમાં મિથેન ઉત્સર્જનમાં આશરે 13.2 મિલિયન ટન (લગભગ 1.32 કરોડ ટન)નો વધારો થયો છે. આ વધારાનો દર વિશ્વભરની ભીની જમીનોમાંથી થતા મિથેન ઉત્સર્જનના વધારાના દરની બરાબરી કરે છે. સાઇબેરિયા હાલમાં વૈશ્વિક મિથેન ઉત્સર્જનમાં લગભગ 5% ફાળો આપે છે, પરંતુ તેની અસરની તીવ્રતા તેને આબોહવા પરિવર્તનના સૌથી ચિંતાજનક મુદ્દાઓમાં લાવી રહી છે.