વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વન-ડેમાં ઓડીઆઈ ઇતિહાસની સૌથી ઝડપી બેવડી સદી ફટકાર્યા બાદ ભારતીય કેપ્ટન શુભમન ગિલ ચર્ચામાં છે. આ સિરીઝની ત્રીજી અને છેલ્લી વન-ડે પહેલા ગુરુવારે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર થયું, ત્યારે ગિલે મેગા ઇવેન્ટ માટે શંખનાદ કર્યો હતો.
જિયો-સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં ગિલે કેપ્ટન તરીકેની જવાબદારી, વર્લ્ડ કપની નિકટતા અને રોહિત શર્મા તથા વિરાટ કોહલી સાથે રમવાના ફાયદાઓ વિશે ખુલીને વાત કરી.
'કેપ્ટનશિપનું સપનું ક્યારેય જોયું નહોતું'
ગિલે કહ્યું, 'હું કેપ્ટનશિપને જવાબદારી તરીકે જોઉં છું. મોટા થતાં મારું સપનું ભારતનો કેપ્ટન બનવાનું નહોતું, પણ દેશ માટે રમવાનું અને મેચ જીતાડવાનું હતું. કેપ્ટનશિપ મળી ત્યારે તે મોટું સન્માન અને જવાબદારી લાગી. ટીમની જવાબદારી મળવાથી વસ્તુઓ સરળ બની જાય છે. હું દબાણ અનુભવતો નથી, કારણ કે સાચી દાનતથી કામ કરું તો બધું બરાબર થાય છે.'
ઉલ્લેખનીય છે કે 2025માં ગિલને ટેસ્ટની સાથે વન-ડેનો પણ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
'2023ની હાર મનમાં છે, કામ અધૂરું છે'
2023 વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામેની હાર પર ગિલે કહ્યું, 'હા, તે અધૂરું કામ છે, જે પૂરું કરવાનું છે. આખી ટુર્નામેન્ટમાં આપણે સૌથી સારી ટીમ લાગતા હતા, પણ વર્લ્ડ કપ એવો જ હોય છે—બધી મેચ જીત્યા પછી ફાઇનલમાં હારી શકાય. તેથી આ અધૂરું કામ છે.'
તેમણે ઉમેર્યું, 'એક ખેલાડી તરીકે દેશનું પ્રતિનિધિત્વ કરવાની વર્લ્ડ કપમાં ઓછી તકો મળે છે. તેથી દેશ માટે રમવું મોટું સન્માન છે. વધુ એક વર્લ્ડ કપ રમવા બદલ હું આભારી છું.'
'નંબર-1 બેટરના ટેગથી ફરક નથી પડતો'
ગિલે કહ્યું, '2023 વર્લ્ડ કપ દરમિયાન હું પહેલીવાર નંબર-1 બેટર બન્યો હતો, ત્યારે સારું લાગ્યું. બાળક તરીકે રેન્કિંગ જોવાય. પણ હવે તેનાથી ફરક પડતો નથી. મારા માટે મહત્વનું એ છે કે મેદાન પર ઉતરીને ટીમને કેવી રીતે જીતાડી શકું અને યોગદાન આપી શકું.'
રોહિત, વિરાટનો સાથ ભાગ્યની વાત
સિનિયર ખેલાડીઓ સાથે રમવા અંગે ગિલે કહ્યું, 'હું ખૂબ ભાગ્યશાળી છું. વિરાટ ભાઈ દુનિયાના શ્રેષ્ઠ વન-ડે બેટરમાંથી એક છે અને રોહિત ભાઈ શ્રેષ્ઠ વન-ડે ઓપનર. તેમનો અનુભવ ટીમ માટે મૂલ્યવાન છે. અમે તેમને ટીમમાં રાખવાનું પસંદ કરીએ છીએ.'
સલાહ લેવા અંગે તેમણે કહ્યું, 'હું ફક્ત રોહિત-વિરાટ પાસેથી જ નહીં, પણ કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર પાસેથી પણ સલાહ લઉં છું. મને બધાના વિચારો ગમે છે. પછી હું નક્કી કરું છું કે મારાથી શું રહી ગયું. ઘણી વાર તેઓ સૂચન આપે ત્યારે મેં તેના વિશે વિચાર્યું હોય છે. જો નહીં વિચાર્યું હોય, તો તેમના વિચારો શું છે તે સમજું છું.'