સત્ય. સાહસ. સંકલ્પ.

વેસ્ટ ઈન્ડિઝ સીરીઝ પહેલાં શુભમન ગિલને કોણીમાં ઈજા, પ્રેક્ટિસમાં પાછો ફર્યો

વેસ્ટ ઈન્ડિઝ સીરીઝ પહેલાં શુભમન ગિલને કોણીમાં ઈજા, પ્રેક્ટિસમાં પાછો ફર્યો

તિરુવનંતપુરમમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચોની વનડે શ્રેણીની પ્રથમ મેચ પહેલાં ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય સામે આવ્યો હતો. ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન કેપ્ટન શુભમન ગિલને જમણી કોણીમાં ઈજા થઈ હતી.

મોહમ્મદ સિરાજનો એક ઉછળતો બોલ ગિલની જમણી કોણી પર સીધો વાગ્યો હતો. બોલ વાગતાં જ ગિલ દુખાવાથી કણસી ઊઠ્યો અને તરત જ નેટ્સ છોડીને બહાર જવું પડ્યું હતું. ટીમ ફિઝિયોને તાત્કાલિક બોલાવવામાં આવ્યા હતા.

મેદાન પર લગભગ 20 મિનિટ સુધી ગિલને મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો અને તેની જમણી કોણી પર પાટો બાંધવામાં આવ્યો હતો. આ દરમિયાન સિનિયર ખેલાડી રોહિત શર્માએ ડગઆઉટમાં પહોંચીને ગિલની સ્થિતિ જાણી હતી.

રાહતની વાત એ રહી કે દુખાવો ઓછો થતાં જ ગિલે સેશન પૂરું થાય તે પહેલાં ફરી નેટ્સમાં વાપસી કરી હતી અને થ્રો-ડાઉન બોલનો સામનો કર્યો હતો. તેની ઈજા ગંભીર ન હોવાનું અને તે પ્રથમ મેચમાં રમી શકે તેવી ધારણા છે.

ગિલને ઈજા થાય તે પહેલાં અનુભવી જોડી રોહિત શર્મા અને વિરાટ કોહલીએ લગભગ 20 મિનિટ સુધી સાથે નેટ્સમાં આકરી પ્રેક્ટિસ કરી હતી. બંને દિગ્ગજો પૂરી લયમાં દેખાયા હતા અને સ્થાનિક નેટ બોલર્સ તેમજ ભારતીય બોલરો સામે શાનદાર શોટ્સ ફટકાર્યા હતા. ટીમ મેનેજમેન્ટે ખેલાડીઓની તૈયારી અને ડ્રેસિંગ રૂમના ઉત્સાહજનક વાતાવરણની પ્રશંસા કરી હતી.