અભિનેત્રી શ્રિયા સરને પોતાની કારકિર્દીમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. તેમનો જન્મ 11 સપ્ટેમ્બર 1982ના રોજ થયો હતો. હરિદ્વારમાં તેમનું બાળપણ વીત્યા બાદ તે દિલ્હી આવી ગઈ. ત્યાં તેમણે લેડી શ્રીરામ કોલેજમાંથી અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કર્યો અને સાથે કથક નૃત્યની તાલીમ પણ લીધી.
કૉલેજના દિવસોમાં તેમને એક મ્યુઝિક વીડિયોમાં કામ કરવાની તક મળી. તેમનાં ડાન્સ ટીચરે પ્રોડક્શન કંપનીને તેમનું નામ સૂચવ્યું હતું. શ્રિયાએ તેને કારકિર્દી તરીકે નહીં, પણ એક નવા અનુભવ તરીકે લીધું અને ઑડિશન આપ્યું. ત્યારબાદ તેઓ 'થિરકતી ક્યોં હવા' મ્યુઝિક વીડિયોમાં જોવા મળ્યાં, જેણે ફિલ્મોનાં દરવાજા ખોલી નાખ્યાં.
તેમને તેલુગુ ફિલ્મ 'ઇષ્ટમ'ની ઑફર મળી અને 17 વર્ષની ઉંમરે તેમણે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો. તેમના માતા-પિતા તેમના અભિનય ક્ષેત્રે જવાના નિર્ણયથી બહુ ઉત્સાહિત નહોતા. તેમના પિતા એન્જિનિયર હતા અને માતા શાળામાં રસાયણ વિજ્ઞાનનાં શિક્ષિકા હતાં. પરિવાર ઇચ્છતો હતો કે દીકરી પહેલાં અભ્યાસ પૂરો કરે. શ્રિયા સામે શરત હતી કે તેઓ ફિલ્મોમાં કામ કરે, પણ અભ્યાસ અધવચ્ચે ન છોડે.
'ઇષ્ટમ'ના શૂટિંગ માટે તેમને હૈદરાબાદ જવું પડ્યું. સેટ પર કામ શીખવાની સાથે કૉલેજનો અભ્યાસ પણ ચાલુ રાખવો પડ્યો. ભાષાનો પડકાર પણ હતો, કારણ કે તેમને તેલુગુ આવડતી નહોતી. ફિલ્મફેરને આપેલા ઇન્ટરવ્યૂમાં શ્રિયાએ શૂટિંગના શરૂઆતના દિવસોની એક ઘટના કહી હતી. એક વખત તેલુગુ સંવાદ બોલતી વખતે તેઓ અટકી ગયાં હતાં. દિગ્દર્શકે કહ્યું કે જો તેઓ સંવાદ નહીં બોલી શકે તો દિલ્હી પરત ફરવું પડશે. શ્રિયાએ તરત જ સંવાદ બોલ્યો, કારણ કે તેઓ કૉલેજ પરત ફરવાને બદલે શૂટિંગ ચાલુ રાખવા માગતાં હતાં.
'ઇષ્ટમ' પછી તેમને તેલુગુ ફિલ્મોમાં કામ મળવા લાગ્યું. 2002માં આવેલી 'સંતોષમ' તેમની કારકિર્દીની શરૂઆતની સફળ ફિલ્મોમાં સામેલ રહી. ત્યાર બાદ તેમણે તમિલ અને તેલુગુ સિનેમામાં સતત કામ કર્યું.
હિન્દી ફિલ્મોમાં તેમની સફર સરળ રહી નહોતી. તેમણે 'તુઝે મેરી કસમ', 'શુક્રિયા: ટિલ ડેથ ડૂ અસ અપાર્ટ' અને 'મિશન ઇસ્તાંબુલ'માં કામ કર્યું, પરંતુ તેમને મનગમતી ઓળખ મળી નહીં. શ્રિયાએ આ નિષ્ફળતા માટે બીજાઓને દોષ આપવાને બદલે પોતાની ભૂલોની જવાબદારી સ્વીકારી. એક જૂના ઇન્ટરવ્યૂમાં તેમણે માન્યું હતું કે હિન્દી ફિલ્મોની પસંદગીમાં તેમનાથી કેટલીક ભૂલો થઈ હશે. તેમણે કહ્યું હતું કે નિષ્ફળતાનું હંમેશાં કોઈ એક સ્પષ્ટ કારણ હોતું નથી.
શ્રિયાની હિન્દી ફિલ્મોમાં 'આવારાપન'નો ઉલ્લેખ કરવો જરૂરી છે. ઇમરાન હાશ્મી સાથે આવેલી આ ફિલ્મમાં તેમણે એવી છોકરીની ભૂમિકા ભજવી હતી, જેના જીવનમાં પ્રેમની સાથે દર્દ અને સંઘર્ષ પણ છે. રિલીઝના સમયે ફિલ્મને મોટી વ્યાવસાયિક સફળતા મળી નહોતી, જેના કારણે તેમની ઓળખ પર અસર પડી. નામના મળ્યા હોવા છતાં તેમને કેટલાક પુરસ્કાર સમારોહોમાં આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. પછીના વર્ષોમાં ફિલ્મને દર્શકો વચ્ચે ઓળખ મળી. ઇમરાન હાશ્મી સાથે શ્રિયાની જોડી અને ફિલ્મનું સંગીત પણ પસંદ કરવામાં આવ્યું.
એક ફિલ્મથી મળેલી પ્રશંસા તેમને હિન્દી સિનેમામાં સતત મોટી તકો અપાવી શકી નહીં. તે સમયગાળામાં અલગ-અલગ ભાષાની ફિલ્મોની પહોંચ પણ મર્યાદિત હતી. શ્રિયાએ પછીના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેઓ સાઉથની ફિલ્મોમાં મોટા કલાકારો સાથે કામ કરી રહ્યાં હતાં, પરંતુ તેમનું કામ હિન્દી દર્શકો સુધી પહોંચી શક્યું નહોતું.
ત્યારબાદ રજનીકાંતની 'શિવાજી', અજય દેવગનની 'દૃશ્યમ' ફ્રેન્ચાઇઝી અને એસ. એસ. રાજામૌલીની 'RRR'એ તેમને નવી ઓળખ અપાવી. આ ફિલ્મોએ તેમની કારકિર્દીને નવી દિશા આપી.