સત્ય. સાહસ. સંકલ્પ.

શ્રેયસ અય્યરની નજર ઐતિહાસિક રેકોર્ડ પર, સતત 10મી ટી20 જીતની તક

શ્રેયસ અય્યરની નજર ઐતિહાસિક રેકોર્ડ પર, સતત 10મી ટી20 જીતની તક

ભારતીય ટી20 ટીમ 6 ઓક્ટોબરથી વેસ્ટઈન્ડિઝ સામે 5 મેચની ટી20 ઈન્ટરનેશનલ સીરિઝ રમવા ઉતરી રહી છે. સીરિઝની પહેલી મેચ લખનૌમાં રમાશે. આ મેચમાં કેપ્ટન શ્રેયસ અય્યરની નજર એક ખાસ રેકોર્ડ પર રહેશે.

એશિયન ગેમ્સ 2026માં પાકિસ્તાનને હરાવીને ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યા બાદ ભારતીય ટીમ હવે નવા મિશન પર છે. વેસ્ટઈન્ડિઝ સામેની 3 મેચની વનડે સીરિઝ 2-1થી જીતીને ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે.

શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં ભારતે અત્યાર સુધી સતત 9 ટી20 મેચ જીતી છે. જો લખનૌમાં ભારત વેસ્ટઈન્ડિઝને હરાવશે, તો આ સતત 10મી જીત થશે. ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં સતત 10 કે તેથી વધુ ટી20 મેચ જીતવાનું કારનામું અત્યાર સુધી માત્ર રોહિત શર્માએ કર્યું છે.

રોહિત શર્માએ કેપ્ટન તરીકે 2019-22 વચ્ચે સતત 14 જીત અને 2024માં સતત 11 જીત નોંધી હતી. શ્રેયસ અય્યર આ સ્થાને પહોંચશે તો વિરાટ કોહલી (9 જીત) અને સૂર્યકુમાર યાદવ (9 જીત)ને પાછળ છોડીને રોહિત શર્મા પછી આ સિદ્ધિ મેળવનારો ભારતનો બીજો કેપ્ટન બનશે.

શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તે પહેલા અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે વિરુદ્ધ 3-3 મેચ જીતી હતી. આ સમયગાળામાં ભારત એક પણ મેચ હાર્યું નથી.

શ્રેયસ અય્યર માટે આવનારા દિવસો મહત્વના છે. વેસ્ટઈન્ડિઝ સીરિઝ બાદ ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ પ્રવાસે જશે, જ્યાં 5 મેચની ટી20 સીરિઝ રમાશે. આ કુલ 10 મેચમાં શ્રેયસ અય્યર સૌથી વધુ જીત મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.