ભારતના T20 કેપ્ટન શ્રેયસ અય્યરે ICC રેન્કિંગમાં 18 સ્થાનની છલાંગ લગાવી છે. તે કારકિર્દીમાં પહેલીવાર T20 બેટર્સની રેન્કિંગમાં ટોપ-10માં આવ્યો છે. તે સાતમા સ્થાને પહોંચી ગયો છે.
અય્યરે મંગળવારની રાત્રે લખનઉમાં વેસ્ટ ઇન્ડીઝ સામે અણનમ 102 રનની સદીની ઇનિંગ્સ રમી હતી. તેનો ફાયદો તેને બુધવારે જાહેર થયેલી રેન્કિંગમાં મળ્યો.
હવે T20ના ટોપ-10 બેટર્સમાં 4 ભારતીયો સામેલ છે. શ્રેયસ ઉપરાંત ઈશાન પ્રથમ, અભિષેક બીજા અને તિલક 10મા સ્થાને છે.
T20 બોલર્સની રેન્કિંગમાં જસપ્રીત બુમરાહનું ટોપ-10માં પુનરાગમન થયું છે. તેને 3 સ્થાનનો ફાયદો થયો છે. અફઘાનિસ્તાનના રાશિદ ખાને પાકિસ્તાનના અબરાર અહમદને પાછળ છોડીને નંબર-1 બોલર બની ગયો છે.
ભારતના અક્ષર પટેલે પણ 16 સ્થાનની છલાંગ લગાવી છે. તે સાતમા નંબરે પહોંચી ગયા છે. બાંગ્લાદેશના નસુમ અહમદ આઠમા અને મેહદી હસન નવમા નંબરે છે.
ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને T20 ઓલરાઉન્ડર્સની રેન્કિંગમાં એક સ્થાનનું નુકસાન થયું છે. તે આઠમા સ્થાને છે. તે ટૉપ-10માં સામેલ એકમાત્ર ભારતીય છે. ઝિમ્બાબ્વેના સિકંદર રઝા નંબર-1 પર છે.
હાર્દિક ઈજાને કારણે ટીમની બહાર છે. તેણે છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ 8 માર્ચ 2026ના રોજ ન્યૂઝીલેન્ડ સામે અમદાવાદમાં રમી હતી.
ભારતના વન-ડે કેપ્ટન શુભમન ગિલે વન-ડે બેટર્સની રેન્કિંગમાં ટોચ પર પોતાની લીડ વધુ મજબૂત કરી છે. તેના 841 રેટિંગ પોઇન્ટ છે.
ત્રીજી વન-ડેમાં 162 રન બનાવનાર વેસ્ટ ઈન્ડીઝના કેપ્ટન શાઈ હોપ 2 સ્થાન ઉપર ચઢીને છઠ્ઠા નંબર પર પહોંચી ગયો છે. કેએલ રાહુલ સાત સ્થાન ઉપર ચઢ્યા છે. તે હવે સંયુક્ત રીતે 10મા નંબર પર છે અને ટોપ-10માં સામેલ થયો છે.