ન્યૂઝીલૅન્ડ સામેની ચોથી વનડેમાં ભારતીય ટીમને 244 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર બાદ કૅપ્ટન શ્રેયસ અય્યરે હારનું કારણ પિચના બદલાયેલા મિજાજ અને ન્યૂઝીલૅન્ડના બોલર મેટ હેનરીના શાનદાર પ્રદર્શનને ગણાવ્યું હતું.
મેચ બાદ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં અય્યરે કહ્યું કે પ્રથમ અને બીજી ઇનિંગ દરમિયાન પિચનું વર્તન એકદમ અલગ હતું. તેમણે કહ્યું, "અમે જોયું કે પહેલી અને બીજી ઇનિંગમાં પિચ ખૂબ અલગ રીતે વર્તી રહી હતી. જોકે, મેટ હેનરીને પણ શ્રેય આપવો જોઈએ, જેમણે પ્રથમ બોલથી જ એકદમ સચોટ લાઇન અને લેન્થ પર બોલિંગ કરી હતી."
શ્રેયસ અય્યરની આ વનડે કૅપ્ટન તરીકેની પહેલી મેચ હતી. જોકે, તેમની શરૂઆત યાદગાર રહી શકી નહોતી. તેઓ પોતે પણ આ મેચમાં ખાતું ખોલાવ્યા વગર આઉટ થયા હતા. ભારતે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ન્યૂઝીલૅન્ડે 333 રનનો મોટો સ્કોર ઊભો કર્યો હતો.
334 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની બેટિંગ સંપૂર્ણપણે નિષ્ફળ રહી હતી. ટીમના તમામ બેટ્સમેનો મળીને માત્ર 89 રન જ બનાવી શક્યા હતા. પરિણામે ભારતને 244 રનથી મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે શ્રેયસ અય્યરની વનડે કૅપ્ટન તરીકેની શરૂઆત અનિચ્છનીય રેકોર્ડ સાથે થઈ છે. આ પહેલાં તેમની કૅપ્ટન તરીકેની પહેલી ટી-20 મેચમાં પણ હાર મળી હતી.
આ પરિણામથી ભારતીય ટીમની મુશ્કેલી વધી છે. ભારત પાસે શ્રેણીમાં 3-0થી જીત મેળવવાની તક હતી, પરંતુ ત્રીજી મેચ વરસાદને કારણે રદ થઈ હતી. હવે ચોથી મેચમાં મળેલી મોટી હાર બાદ શ્રેણીમાં ભારત 2-1થી આગળ છે. શ્રેણીની હવે માત્ર એક મેચ બાકી છે. ભારત આ મેચ જીતીને શ્રેણી 3-1થી પોતાના નામે કરી શકે છે, જ્યારે ન્યૂઝીલૅન્ડ જીતે તો શ્રેણી 2-2થી ડ્રો થશે.
શ્રેયસ અય્યરે હાર બાદ કહ્યું હતું કે હવે આ મેચને ભૂલીને આગળ વધવું સૌથી યોગ્ય રહેશે. સાથે જ ટીમે બોલિંગ અને બેટિંગમાં ક્યાં ભૂલો થઈ તેનું વિશ્લેષણ કરવું પડશે.