ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયા કપ જીત્યા બાદ ICC રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓને મોટો ફાયદો થયો છે. સ્પિન બોલર શ્રી ચરણીએ વિશ્વની નંબર વન બોલર તરીકેનું સ્થાન વધુ મજબૂત કર્યું છે અને મહિલા ICC ટી20 બોલર રેન્કિંગમાં 804 રેટિંગ પોઈન્ટ સાથે નવો ઈતિહાસ રચ્યો છે.
આ સાથે શ્રી ચરણી મહિલા ICC રેન્કિંગમાં સૌથી વધુ રેટિંગ પોઈન્ટ મેળવનારી ભારતીય ખેલાડી બની ગઈ છે. તેણે ભૂતપૂર્વ કેપ્ટન મિતાલી રાજને પાછળ છોડી દીધી છે, જેમણે 2011માં બેટર્સની રેન્કિંગમાં 780 રેટિંગ પોઈન્ટ મેળવ્યા હતા. શ્રી ચરણી પ્રથમ ભારતીય મહિલા છે જેણે ICC રેન્કિંગમાં 800 રેટિંગ પોઈન્ટનો આંકડો વટાવ્યો છે.
હવે શ્રી ચરણી ICC મહિલા ટી20 રેન્કિંગમાં સૌથી વધુ રેટિંગ પોઈન્ટ મેળવનારી બોલર બનવાની નજીક છે. તે વિશ્વ રેકોર્ડથી માત્ર 2 પોઈન્ટ દૂર છે. 2018માં ઓસ્ટ્રેલિયાની મેગન શુટે 806 રેટિંગ પોઈન્ટ મેળવ્યા હતા, જે ICC મહિલા રેન્કિંગમાં સૌથી વધુ રેટિંગ પોઈન્ટ મેળવનારી બોલર છે. શ્રી ચરણી પાસે એશિયન ગેમ્સ દરમિયાન આ ઉપલબ્ધિ હાંસલ કરવાની તક રહેશે. 18 સપ્ટેમ્બરે ભારત અને જાપાન વચ્ચેની મેચમાં શાનદાર પ્રદર્શન કરીને તે આ સિદ્ધિ મેળવી શકે છે.
એશિયા કપમાં શ્રી ચરણીએ શાનદાર બોલિંગ કરી હતી અને ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ડાબોડી સ્પિનરે 5 મેચમાં 12 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેનો ઈકોનોમી રેટ માત્ર 3.66 રહ્યો હતો. ફાઈનલ મેચમાં પણ તેણે શ્રીલંકા સામે 4 ઓવરમાં 20 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.
ICC મહિલા ટી20 બોલિંગ રેન્કિંગમાં દીપ્તિ શર્માને પણ ફાયદો થયો છે. તેણે 4 સ્થાનની છલાંગ લગાવી છે અને બીજા સ્થાને પહોંચી ગઈ છે. દીપ્તિએ એશિયા કપમાં સૌથી વધુ 14 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત ફાસ્ટ બોલર નંદની શર્માને પણ 10 સ્થાનનો ફાયદો થયો છે અને તે 94મા સ્થાને છે. લેગ સ્પિનર પ્રેમા રાવત 50 સ્થાનની છલાંગ લગાવીને 96મા સ્થાને આવી ગઈ છે.
મહિલા ટી20 બેટિંગ રેન્કિંગમાં શેફાલી વર્માને એક સ્થાનનો ફાયદો થયો છે અને તે સાતમા સ્થાનેથી છઠ્ઠા સ્થાને આવી ગઈ છે. તેણે એશિયા કપમાં સૌથી વધુ 236 રન બનાવ્યા હતા.