શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મ 'ઈઠા'નું ટ્રેલર ગુરુવારે બપોરે રિલીઝ થયું છે. આ ફિલ્મમાં શ્રદ્ધા પ્રસિદ્ધ લાવણી કલાકાર વિઠાબાઈ નારાયણગાંવકરની ભૂમિકા ભજવી રહી છે. લક્ષ્મણ ઉટેકરના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ 4 ડિસેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં રણદીપ હુડ્ડા, મોહમ્મદ ઝીશાન અય્યુબ અને નાના પાટેકર પણ મહત્ત્વની ભૂમિકાઓમાં જોવા મળશે.
ફિલ્મનું ટ્રેલર મહારાષ્ટ્રની લોકકલા તમાશા અને લાવણીની દુનિયા દર્શાવે છે. ટ્રેલરમાં કલા, સંઘર્ષ અને પોતાના સન્માન માટેની લડાઈ જોવા મળે છે. વિઠાબાઈના પાત્રમાં શ્રદ્ધા દમદાર લાગી રહી છે. તેમના સંવાદો પણ અસર છોડી જાય છે. એક જગ્યાએ તે કહે છે, "જોઈએ શું તૂટે છે, મારો વિશ્વાસ કે મારો ઘમંડ. મારો વિશ્વાસ જ મારો ઘમંડ હતો રે. જ્યારે એ તૂટી ગયો ને, બધું તૂટી ગયું."
મોહમ્મદ જીશાન અય્યુબના ડાયલૉગ્સે પણ ધ્યાન ખેંચ્યું છે. ટ્રેલરમાં તે શ્રદ્ધા કપૂરના પાત્ર ઈઠાને કહે છે, "તારી સાથે તો નાચની સ્પર્ધામાં તકદીર પણ જીતી શકતી નથી, ઈઠા. નાચ્યા વિના જતી રહીશ શું? જો, આકાશનો મંડપ છે, ચાંદનીની લાઇટ છે, હવાઓના સ્પીકર છે. કોઈ હોય કે ન હોય, તારો રિવાજ તો છે. તું જ કહેતી હતી ને કે પડ્યા-પડ્યા મરી જઈશ તો બિચારી કહેવાઈશ." ત્યાર બાદ ઈઠા કહે છે, "પરંતુ નાચતાં-નાચતાં મરી જઈશ તો દાખલો બની જઈશ."
ટ્રેલરની જાન તેનું સંગીત છે. અજય-અતુલનું સંગીત વાર્તાના માહોલને વધુ મજબૂત બનાવે છે. નવવારી સાડીને લઈને શ્રદ્ધાનો ડાયલોગ પણ ખાસ છે, તેઓ કહે છે, "આ માત્ર કપડું નથી, અભિમાન છે. જેને પહેરવાનું મળે, તે ભાગ્યશાળી છે."
ફિલ્મમાં રણદીપ હુડ્ડા અન્ના સાવંત મર્ચન્ટનું પાત્ર ભજવશે. ગઈકાલે રણદીપ હુડ્ડાનો ફર્સ્ટ લુક પણ જાહેર કરવામાં આવ્યો હતો. પોસ્ટરમાં રણદીપ પોતાના પાત્ર અન્ના સાવંત મર્ચન્ટના રૂપમાં જોવા મળી રહ્યો છે. રણદીપે આ પોસ્ટર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે. પોસ્ટરમાં તે મોટી મૂછો અને ભારે-ભરાવદાર શરીર સાથે જોવા મળી રહ્યો છે. 'ઈઠા' રણદીપ હુડ્ડા અને દિગ્દર્શક લક્ષ્મણ ઉટેકરની સાથેની પહેલી ફિલ્મ છે.
'ઈઠા'માંથી 28 ઓક્ટોબરે શ્રદ્ધા કપૂરનું નવું પોસ્ટર જાહેર કરવામાં આવ્યું હતું. પોસ્ટરમાં શ્રદ્ધા પરંપરાગત લાવણી ડાન્સર તરીકે જોવા મળી રહી છે. તે હાથમાં ઘૂંઘરૂ પકડીને ગંભીર અને પ્રભાવશાળી અંદાજમાં દેખાઈ રહી છે.
વિઠાબાઈ નારાયણગાંવકર મહારાષ્ટ્રનાં પ્રસિદ્ધ લાવણી અને તમાશા કલાકાર હતાં. તેમનો જન્મ 1935માં મહારાષ્ટ્રના એક કલાકાર પરિવારમાં થયો હતો. તેમણે ખૂબ નાની ઉંમરથી જ મંચ પર પ્રસ્તુતિ આપવાનું શરૂ કર્યું હતું. તેમની દમદાર અદાકારી, ગાયન અને નૃત્યને કારણે તેમને 'લાવણી સમ્રાજ્ઞી' એટલે કે 'લાવણીની મહારાણી' કહેવામાં આવતાં હતાં. તેમણે મહારાષ્ટ્રમાં તમાશા કલાને નવી ઓળખ અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કલાક્ષેત્રમાં તેમના યોગદાન બદલ તેમને અનેક રાજ્યસ્તરીય અને રાષ્ટ્રીય સન્માનો મળ્યાં હતાં. તેમની જીવનકથા પર આધારિત મરાઠી શોર્ટ ફિલ્મ 'વિઠા' (2019) પણ બનાવવામાં આવી હતી, જેમાં તેમના સંઘર્ષ અને સફળતાની કહાની દર્શાવવામાં આવી હતી. 2002માં તેમનું અવસાન થયું, પરંતુ આજે પણ તેમને મહારાષ્ટ્રની લોકકલા અને લાવણીની મહાન કલાકારોમાં ગણવામાં આવે છે.
ફિલ્મ 'ઈઠા' ગૂગલ પર ટ્રેન્ડ કરી રહી છે.