આજની ભાગદોડવાળી જીવનશૈલીમાં ઘણીવાર કપડાંને ઈસ્ત્રી કરવાનો સમય નથી મળતો. તેથી લોકો ઉતાવળમાં ઈસ્ત્રી કરીને તરત જ કપડાં પહેરી લેતા હોય છે. પરંતુ શું આ કરવું યોગ્ય છે? નિષ્ણાતોના મતે, ઈસ્ત્રી કર્યા પછી તરત કપડાં ન પહેરવા જોઈએ. ઓછામાં ઓછી 5 થી 10 મિનિટ કપડાંને હેંગર પર લટકાવી રાખવા જોઈએ.
ઈસ્ત્રી કરીને તરત પહેરવાથી ઈસ્ત્રીની ગરમી અને વરાળના કારણે કપડાંના રેસા નરમ થઈ જાય છે. જો તમે તેને તરત જ પહેરી લેશો તો શરીરના હલનચલન સાથે કપડાં પર નવી કરચલીઓ પડી જશે.
સ્ટીમ આયર્નના ઉપયોગથી કપડાંમાં થોડો ભેજ રહી જાય છે. જો ગરમ અને ભેજવાળા કપડાં તરત જ પહેરવામાં આવે તો ત્વચા પર ખંજવાળ અથવા એલર્જી જેવી સમસ્યા થઈ શકે છે.
કપડાં ગરમ હોય ત્યારે તેનો આકાર સરળતાથી બદલાઈ શકે છે. તરત પહેરવાથી કપડાં શરીરને યોગ્ય રીતે બેસતા નથી. કપડાંને થોડી વાર હેંગર પર રાખવાથી તે ઠંડા પડે છે અને તેનો આકાર સ્થિર થઈ જાય છે, જેથી ઈસ્ત્રીની અસર લાંબો સમય ટકી રહે છે.
દરેક કપડાંનું ફેબ્રિક અલગ અલગ હોય છે, તેથી તેની ઈસ્ત્રી કરવાની રીત પણ અલગ હોય છે.
સુતરાઉ કપડાંને વધુ ગરમીની જરૂર પડે છે. કપડાં સહેજ ભેજવાળા હોય તો કરચલીઓ ખૂબ ઝડપથી નીકળી જાય છે.
સિલ્કના કપડાંને હંમેશા ઊંધા કરીને મધ્યમથી ઓછી ગરમી પર ઈસ્ત્રી કરવી જોઈએ. શક્ય હોય તો સિલ્કના કપડાં પર પાતળું સુતરાઉ કપડું રાખીને ઉપરથી ઈસ્ત્રી કરવી, જેથી ફેબ્રિક બળવાની ચિંતા ન રહે.
નાયલોન અને પોલિએસ્ટર ફેબ્રિક ખૂબ ઝડપથી ઓગળી જાય છે, તેથી ઈસ્ત્રીનું તાપમાન સૌથી ઓછું રાખવું અને કપડાંને હંમેશા ઊંધા કરીને ઈસ્ત્રી કરવી જોઈએ.