સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળે નર્મદા જિલ્લામાં આવેલા શૂલપાણેશ્વર ઘાટનું ₹15.10 કરોડના ખર્ચે આધુનિકીકરણ કર્યું છે. આ નવીનીકરણથી એકતાનગર ખાતેનો આ ઘાટ હવે એક ભવ્ય આધ્યાત્મિક કેન્દ્ર તરીકે ઉભરી આવ્યો છે.
નવા સ્વરૂપમાં ઘાટ પર લાલ રેતીના પથ્થરો, આકર્ષક ભીંતચિત્રો અને ભગવાન મહાદેવની ભવ્ય મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આ ઉપરાંત ધાર્મિક વિધિઓ અને મેળાવડાઓ માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ છે.
ઘાટની મુલાકાતીઓની ક્ષમતા 4,000 થી વધારીને 6,000 કરવામાં આવી છે. 2,000 લોકો બેસી શકે તેવી ઓપન એમ્ફીથિયેટર જેવી બેઠક વ્યવસ્થા પણ ઉભી કરાઈ છે. રાત્રિના સમયે આખો ઘાટ રંગબેરંગી એલ.ઇ.ડી. લાઇટોથી ઝળહળે છે.
નદીકિનારે ભીડ નિયંત્રણ માટે ઉપરવાસ તરફ 31x47 મીટર અને કિનારા તરફ 95x10.5 મીટર વિસ્તાર વધારવામાં આવ્યો છે. વાહનોની ભીડ ટાળવા એકતા નર્સરી ગેટથી 190 મીટર લાંબો નવો એપ્રોચ રોડ બનાવાયો છે. ચોમાસામાં પૂરથી ધોવાણ અટકાવવા મજબૂત આરસીસી રિટેનિંગ સ્ટ્રક્ચર્સ અને પ્રવાસીઓની સુરક્ષા માટે એન્ટી-સ્લીપ ફર્શ તથા કોતરણીયુક્ત રેલિંગ બેસાડવામાં આવી છે. એકતા નર્સરીથી ઘાટ સુધીના રસ્તે સાંસ્કૃતિક ભીંતચિત્રો પણ દોરવામાં આવ્યા છે.
આ ઘાટની સૌથી મોટી વિશેષતા વારાણસીની જેમ તાલીમબદ્ધ પૂજારીઓ દ્વારા 108 દીવાઓ સાથે કરવામાં આવતી મહાઆરતી છે. સાંજે 7:30 વાગ્યે યોજાતી આ આરતીમાં હિન્દી અને સંસ્કૃત શ્લોકો (નર્મદાષ્ટકમ)ના ગાન સાથે સ્થાનિક આદિવાસી કલાકારો હાર્મોનિયમ, તબલા અને બેન્જો જેવા વાદ્યો વગાડે છે. આ ઘાટ સીધો શૂલપાણેશ્વર મહાદેવ મંદિર સાથે જોડાયેલો છે, જ્યાં સુવ્યવસ્થિત પગથિયાં અને પૂજારીઓ માટે ખાસ પ્લેટફોર્મ બનાવાયું છે.
સત્તામંડળના જણાવ્યા મુજબ, ટ્રાફિક મેનેજમેન્ટ અને અવરોધમુક્ત પ્રવેશથી ભક્તોને શાંતિનો અનુભવ થશે. આ નવા સ્વરૂપથી ગુજરાત તથા દેશ-વિદેશના પ્રવાસીઓ આકર્ષાશે અને સ્થાનિક આદિવાસી યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે.