મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં એક જ દિવસમાં બે અલગ-અલગ ઘટનાઓમાં બે સગી બહેનો અને તેમના ચાર બાળકોના મોત થયા છે. બંને બહેનોએ કૂવામાં ઝંપલાવીને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ઘટનાઓથી આસપાસના વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રથમ ઘટના બુધવારે બપોરે બૈરાડ પોલીસ સ્ટેશન વિસ્તારના ગૂંગરગાંવ ગામે બની હતી. અહીં રહેતી 35 વર્ષીય અંજલિ રાવત આઠ મહિનાની ગર્ભવતી હતી. તેણે પોતાના છ વર્ષના પુત્ર પ્રશાંત સાથે ખેતરમાં આવેલા કૂવામાં ઝંપલાવ્યું હતું. આ ઘટનામાં અંજલિ, તેના પુત્ર અને ગર્ભમાં રહેલા શિશુનું પણ મોત થયું હતું.
પરિવારના જણાવ્યા અનુસાર, અંજલિના પતિ ધરમવીરનું આશરે એક મહિના પહેલાં માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. તે ઘટના બાદ અંજલિ ઊંડા આઘાતમાં હતી. ઘટના સમયે અંજલિ પોતાની દીકરીને પણ કૂવા પાસે લઈ ગઈ હતી, પરંતુ દીકરીએ હાથ છોડાવીને ઘરે જઈ પરિવારને જાણ કરી હતી. પરિવારજનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા, પરંતુ ત્યાં સુધીમાં અંજલિ અને તેના પુત્રનું મોત થઈ ચૂક્યું હતું.
થોડા કલાકો બાદ અંજલિની મોટી બહેન 40 વર્ષીય સીતા રાવતે પણ પોતાના ત્રણ બાળકો સાથે જીવ ગુમાવ્યો હતો. સીતા કોલારસ પોલીસ સ્ટેશન વિસ્તારના સેસઈ ગામે રહેતી હતી. બુધવારે બપોરે સીતા પોતાનાં બાળકો રાખી (14), પ્રિયંકા (11) અને શ્લોક (6) સાથે ખોંખર ગામના ખેતરમાં ગઈ હતી. સાંજે છ વાગ્યા સુધી તેઓ ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી.
ખેતરમાં પહોંચતા કૂવા પાસે સીતા અને બાળકોના ચંપલ મળી આવ્યા હતા. કૂવામાં તપાસ કરતાં પાણીમાં એક બાળકનો મૃતદેહ દેખાયો હતો. ત્યારબાદ પોલીસ અને ગ્રામજનોની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ સીતા અને તેના ત્રણેય બાળકોના મૃતદેહ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં પોલીસ અને વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે બંને કેસમાં મર્ગ નોંધ્યા છે અને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. બંને બહેનોએ આ પગલું શા માટે ભર્યું તે અંગે તપાસ ચાલી રહી છે. પ્રાથમિક માહિતીમાં અંજલિના પતિના મોત બાદ તે આઘાતમાં હોવાની વાત સામે આવી છે. જોકે, બંને ઘટનાઓ પાછળ અન્ય કોઈ પારિવારિક કારણ હતું કે નહીં તે જાણવા પોલીસ તપાસ કરી રહી છે.
આ ઘટનાઓએ બંને ગામોમાં શોકનું વાતાવરણ સર્જ્યું છે. માનસિક આઘાતમાંથી પસાર થતા લોકો માટે કાઉન્સેલિંગની સેવાઓ ઉપલબ્ધ છે. જરૂર પડે તો સ્થાનિક આરોગ્ય કેન્દ્ર અથવા હેલ્પલાઇન નંબર 104 પર સંપર્ક કરવો જોઈએ.