કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીના પુસ્તકમાં વીર સાવરકર અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓને લઈને મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. શિવસેનાએ આ ટિપ્પણીઓ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને મુંબઈમાં પુસ્તકના પાના ફાડીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.
શિવસેનાના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય નિરુપમ અને રાષ્ટ્રીય સચિવ શાઈના એનસીએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આ મુદ્દે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે પ્રકાશક હાર્પર કોલિન્સને પુસ્તકના પેજ નંબર 201 અને 443 તાત્કાલિક દૂર કરવાની માંગ કરી છે.
સંજય નિરુપમે કહ્યું કે, વીર સાવરકરના મુદ્દે અગાઉ પણ મોટો રાજકીય વિવાદ ઊભો થયો હતો અને તેની અસર મુંબઈ સુધી પહોંચી હતી. તેમણે જણાવ્યું કે બાળાસાહેબ ઠાકરેના હૃદયમાં સાવરકર પ્રત્યે અપાર સન્માન હતું. શિવાજી પાર્કમાં યોજાયેલા એક વિરોધ પ્રદર્શન દરમિયાન બાળાસાહેબ ઠાકરેએ મણિશંકર ઐયરના પૂતળા પર ચપ્પલ માર્યા હતા. આજે જે લોકો પોતાને બાળાસાહેબ ઠાકરેના વારસદાર ગણાવે છે, તેઓ આ મુદ્દે ચૂપ કેમ છે? એમ તેમણે પ્રશ્ન કર્યો હતો.
શાઈના એનસીએ કહ્યું કે, સોનિયા ગાંધીએ પુસ્તકમાં સાવરકરને હિંદુત્વના સંદર્ભમાં બહિષ્કારવાદી તરીકે ચિતર્યા છે, જ્યારે બાળાસાહેબ ઠાકરે સાવરકરને હિંદુત્વનો આત્મા માનતા હતા. સાવરકરે દેશની આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું અને લાંબો સમય જેલમાં વિતાવ્યો હતો. તેમણે પુસ્તકના પેજ 201 અને 443માં વપરાયેલા શબ્દોથી એવું ચિત્ર ઊભું કરવાનો પ્રયાસ થયો હોવાનો આરોપ મૂક્યો કે જાણે ભારતમાં કોઈ ફાસીવાદી હિંદુ શાસન રહ્યું હોય. તેમણે કહ્યું કે હિંદુત્વનો સાચો અર્થ કોઈના પણ તુષ્ટિકરણ વિના સૌની સાથે ન્યાય કરવાનો છે અને પ્રકાશકે આ બંને પાના તાત્કાલિક હટાવવા જોઈએ, કારણ કે સાવરકરના યોગદાન અને બલિદાનને ઈતિહાસમાંથી ભૂંસી શકાશે નહીં.
આ પ્રેસ કોન્ફરન્સમાં સંજય નિરુપમે અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં રાહુલ ગાંધી દ્વારા ભારતીય અર્થવ્યવસ્થા અંગે આપવામાં આવેલા નિવેદનની પણ ટીકા કરી હતી. તેમણે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) અને વિશ્વ બેંક જેવી વૈશ્વિક સંસ્થાઓએ પણ ભારતીય અર્થતંત્રની મજબૂત કામગીરીની પ્રશંસા કરી છે. ભારતનો GDP વૃદ્ધિ દર 7.7 ટકાથી વધુ છે અને દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. વિદેશી ધરતી પર જઈને ભારતના અર્થતંત્રની આલોચના કરવી એ દેશહિતની વિરુદ્ધ છે. રાહુલ ગાંધીના આ પ્રકારના નિવેદનો પરથી એવું પ્રતીત થાય છે કે તેમને પોતાના દેશ પ્રત્યે પ્રેમ નથી અથવા તો તેઓ કોઈ વિદેશી એજન્સીઓના ઇશારે કામ કરી રહ્યા છે.