મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાંથી શિવસેના (એકનાથ શિંદે જૂથ)ના ધારાસભ્ય સંજય ગાયકવાડે ખેડૂતોની આત્મહત્યા અંગે એક વિવાદિત નિવેદન આપ્યું છે, જેના કારણે રાજ્યભરમાં આક્રોશ ફેલાયો છે. મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે, “જે ખેડૂતો આત્મહત્યા કરે છે, તેમની અંતિમયાત્રામાં કે અંત્યેષ્ટિમાં કોઈએ જવું જોઈએ નહીં. જ્યારે લોકોને ખબર પડશે કે તેમના મૃતદેહને પ્રાણીઓ ખાશે અને તેમના અવશેષોની શું સ્થિતિ થશે, ત્યારે જ તેઓ આત્મહત્યા કરવાનું બંધ કરશે.”
તેમણે ખેડૂતોને અપીલ કરી હતી કે કોઈ મુશ્કેલી હોય તો સરકાર, ધારાસભ્ય કે સાંસદ પાસે મદદ માંગવી જોઈએ, પરંતુ આત્મહત્યા કરીને બાળકોને નિરાધાર છોડવા એ તેમની સાથે અન્યાય છે.
આ નિવેદનથી શિવસેના નેતૃત્વ અને મુખ્યમંત્રી એકનાથ શિંદે ભારે નારાજ થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટીની છબીને નુકસાન પહોંચાડતા આવા નિવેદનોને કારણે ગાયકવાડને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાની શક્યતાઓ ચકાસવામાં આવી રહી છે. શિવસેનાનું માનવું છે કે ખેડૂતોના હિતમાં કામ કરતી પાર્ટી તરીકેની તેની છવિને આવા નિવેદનોથી નુકસાન થાય છે.
બીજી તરફ, રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનો વધતાં ધારાસભ્ય ગાયકવાડે શુક્રવારે પોતાના નિવેદન અંગે માફી માંગી હતી. તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, “મારું નિવેદન ખેડૂતો માટે નહીં, પરંતુ નશાના આદિ બનેલા યુવાનો અને પરિવાર બરબાદ કરનારા લોકો માટે હતું. મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. તેમ છતાં જો મહારાષ્ટ્રના ખેડૂતો અને મારા વરિષ્ઠ નેતાઓની લાગણી દુભાઈ હોય તો હું માફી માંગુ છું. હું પોતે ખેડૂત પરિવારમાંથી આવું છું અને હંમેશાં ખેડૂતોના હિતમાં કામ કરતો રહ્યો છું.”