સુરતમાં લગભગ 20 વર્ષ જૂના પ્રફુલ સાડી ખંડણી કેસમાં નવી ઘટનાક્રમ સામે આવ્યો છે. અભિનેત્રી શિલ્પા શેટ્ટીના માતા સુનંદા શેટ્ટીએ કોર્ટમાં કાયમી હાજરી મુક્તિ માટે અરજી દાખલ કરી છે. તેમના વકીલે કોર્ટને જણાવ્યું કે સુનંદા શેટ્ટી 77 વર્ષના છે અને વૃદ્ધાવસ્થાના કારણે તેમની હાજરી દરેક સુનાવણીમાં શક્ય નથી. જોકે, કેસના અન્ય આરોપીઓએ આ અરજીનો વિરોધ કર્યો હતો.
કેસના આરોપી નંબર 1 દિનેશ નારાયણના વકીલે પણ તેમના અસીલની 62 વર્ષની ઉંમરનો હવાલો આપીને હાજરી મુક્તિની માંગ કરી હતી. આરોપીઓની ગેરહાજરીને કારણે ટ્રાયલ આગળ વધી શકતી નથી, તેવી રજૂઆત કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. આ મામલે કોર્ટે તમામ આરોપીઓને, જેમાં સુનંદા શેટ્ટી અને અન્ડરવર્લ્ડ ડોન ફઝલુ રહેમાનનો પણ સમાવેશ થાય છે, તેમને 7 ઓક્ટોબરના રોજ કોર્ટ સમક્ષ હાજર રહેવા આદેશ કર્યો છે.
7મી ઓક્ટોબરથી આ કેસની ટ્રાયલ શરૂ થશે. આ કેસ પ્રફુલ સાડીના માલિક પાસેથી ₹2 કરોડની ખંડણી માંગવા અંગેનો છે, જે શિલ્પા શેટ્ટી સાથે સાડીની જાહેરાતના કરાર ભંગ બાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.