સત્ય. સાહસ. સંકલ્પ.

શીલજ હિટ એન્ડ રન: ભાજપ ધારાસભ્યના ભત્રીજાની ધરપકડ બાદ જામીન પર મુક્તિ

શીલજ હિટ એન્ડ રન: ભાજપ ધારાસભ્યના ભત્રીજાની ધરપકડ બાદ જામીન પર મુક્તિ

અમદાવાદના શીલજ સર્કલ નજીક 11 નવેમ્બરે સવારે થયેલા હિટ એન્ડ રન અકસ્માતમાં કારચાલક ભાજપના ધારાસભ્યનો ભત્રીજો હોવાનું સામે આવ્યું છે. બોપલ પોલીસે આરોપી રાઘવેન્દ્ર કુશવાહની ધરપકડ કરી છે, પરંતુ તેને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, 11 નવેમ્બરના રોજ સવારે 7 વાગે શીલજ સર્કલ પાસે ગુરુકૃપા ટ્રેડર્સ ચાર રસ્તા નજીક એક કારે રેપિડો બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઇક પર પાછળ બેઠેલા હર્ષદકુમાર પુરબિયા (35)નું મોત નિપજ્યું હતું. હર્ષદ મૂળ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના રહેવાસી હતા અને હાલ અમદાવાદના શાસ્ત્રીનગરમાં રહેતા હતા. બાઇક ચાલક પ્રદીપ કુમારને પણ ઈજા થઈ હોવાનું જાણવા મળે છે.

અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બોપલ પોલીસે સીસીટીવી ફૂટેજ અને નંબર પ્લેટના આધારે તપાસ કરીને આરોપી રાઘવેન્દ્ર કુશવાહની ધરપકડ કરી હતી. પૂછપરછ બાદ કાયદાકીય જોગવાઈ મુજબ તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે.

બોપલ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે, “અમે શીલજ અકસ્માતના મુખ્ય આરોપીની સવારે જ ધરપકડ કરી હતી. પૂછપરછ બાદ કાયદાકીય જોગવાઈ મુજબ ફેટલ કેસમાં જામીન આપવા પડે તેમ હોવાથી તેને જામીન પર મુક્ત કર્યો છે. આ બાબતે કોઈ અન્યનું દબાણ નહોતું અને અમે સીધા મુખ્ય આરોપીને જ પકડ્યો છે. અમને અકસ્માતની જાણ થયાના 15થી 17 કલાકની અંદર જ અમે આરોપીને તેના ઘરેથી લઈ આવ્યા હતા. તે ક્યાંય ભાગી ગયો નહોતો, પરંતુ તેનું સરનામું અલગ હોવાથી શોધવામાં થોડો સમય લાગ્યો હતો. અકસ્માત સમયે આરોપીએ કોઈ નશો કર્યો હોય તેવી વિગત હાલની તપાસમાં સામે આવી નથી.”

પોલીસના જણાવ્યા મુજબ, અકસ્માત શીલજ તરફથી હાઇવે બાજુ જતા રસ્તા વચ્ચે થયો હતો. બાઇક રોડ ક્રોસ કરીને અંદર જતી વખતે રોડની વચ્ચે આવી જતાં તેના પાછળના ભાગે ટક્કર વાગી હતી. જે જગ્યાએ અકસ્માત સર્જાયો ત્યાં કોઈ સીસીટીવી કેમેરા ઉપલબ્ધ નથી, જે તપાસને અઘરી બનાવે છે.

આરોપી રાઘવેન્દ્ર કુશવાહ બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહનો ભત્રીજો છે. પોલીસે જણાવ્યું કે આરોપી અગાઉ પણ અકસ્માત સર્જી હોવાની આશંકા છે. હાલમાં પોલીસ આ કેસની વધુ તપાસ કરી રહી છે.