અમદાવાદના શીલજ સર્કલ પાસે બનેલી હિટ એન્ડ રન ઘટનામાં ધારાસભ્યના ભત્રીજા સામેની પોલીસ કાર્યવાહીમાં ઢીલ અંગે ગંભીર સવાલો ઉઠ્યા છે. આ કેસમાં એક સિનિયર IPS અધિકારીની ભૂમિકા ચર્ચાસ્પદ બની છે, જેમના સંબંધને કારણે આરોપીને છૂટ મળી હોવાની ચર્ચા પોલીસ તંત્રમાં વેગવાન બની છે.
ઘટનાની વિગત મુજબ, શીલજ સર્કલ પાસે રેન્જ રોવરે રેપિડો બાઇકને ટક્કર મારતાં નારણપુરાના હર્ષદભાઈ પુરબિયાનું મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો. બોપલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતાં કાર મહેશ કુશ્વાહના નામે નોંધાયેલી હોવાનું અને તેમના પુત્ર રાઘવેન્દ્ર કુશ્વાહે અકસ્માત સર્જ્યાનું જાણવા મળ્યું. રાઘવેન્દ્ર બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશ્વાહનો ભત્રીજો હોવાનું પણ સામે આવ્યું.
આરોપી ઘટનાના કલાકો પછી પોલીસ સમક્ષ હાજર થયો અને થોડા જ કલાકોમાં જામીન પર મુક્ત થઈ ગયો. પોલીસે આરોપીને હાજર થવા માટે પૂરતો સમય અને વ્યવસ્થા કરી આપી હોવાની ચર્ચા છે. આ ઉપરાંત, આરોપીના પિતાના વેવાઈ પક્ષે નજીકના સંબંધી એવા સિનિયર IPS અધિકારીએ અમદાવાદ ગ્રામ્ય પોલીસને સૂચના આપીને કાર્યવાહી સરળ બનાવી હોવાની પણ ચર્ચા વેગવાન છે.
વધુમાં, એવી પણ ચર્ચા છે કે લગભગ પાંચ મહિના પહેલાં સાણંદ નજીક એક પાર્ટી પર અમદાવાદ ગ્રામ્ય પોલીસે દરોડો પાડ્યો હતો ત્યારે પણ આ જ યુવકને બચાવવામાં આવ્યો હોવાનું કહેવાય છે. આમ, પાંચ મહિનામાં એક જ યુવકને બચાવવા માટે સંબંધી પોલીસ અધિકારીએ બે વખત ભૂમિકા ભજવી હોવાની ચર્ચા પોલીસ તંત્રના જાણકારોમાં થઈ રહી છે. આ ઘટના કાયદાના શાસન અને પોલીસની નિષ્પક્ષ કાર્યવાહી પર પ્રશ્નો ઉભા કરે છે.