સત્ય. સાહસ. સંકલ્પ.

શીલજ હિટ એન્ડ રન: ભાજપ ધારાસભ્યના ભત્રીજાને બચાવવા પોલીસની કાર્યવાહી પર સવાલ

શીલજ હિટ એન્ડ રન: ભાજપ ધારાસભ્યના ભત્રીજાને બચાવવા પોલીસની કાર્યવાહી પર સવાલ

અમદાવાદના શીલજ વિસ્તારમાં 11 નવેમ્બરે વહેલી સવારે થયેલા હિટ એન્ડ રન અકસ્માતમાં 35 વર્ષીય બાઈકચાલક હર્ષદકુમારનું મોત થયું હતું. આ કેસમાં બાપુનગરના ભાજપ ધારાસભ્ય દિનેશ કુશવાહના ભત્રીજા રાઘવેન્દ્ર કુશવાહ આરોપી છે. તેમની લક્ઝુરિયસ રેન્જ રોવર કારે બાઈકને ટક્કર મારી હતી.

પોલીસે અકસ્માતના 17 કલાક બાદ આરોપીની ધરપકડ કરી હતી. સાક્ષીઓ પાસેથી કારનો નંબર મળ્યા બાદ પોલીસે બીજા દિવસે તેના ઘરેથી ધરપકડ કરીને વાહન કબ્જે કર્યું હતું. જોકે આરોપી દાવો કરે છે કે તે જાતે પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો.

સૌથી મોટો સવાલ આરોપીના બ્લડ ટેસ્ટને લઈને છે. ઘટનાના 30 કલાક પછી તેનો બ્લડ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. આટલા લાંબા સમય પછી લેવાયેલા નમૂનામાં નશાકારક પદાર્થની ચોક્કસ પુષ્ટિ કરવી મુશ્કેલ બની શકે છે. પોલીસે જણાવ્યું છે કે જો રિપોર્ટમાં નશાનું સેવન સામે આવશે તો કેસમાં નવી કલમો ઉમેરાશે.

પ્રાથમિક તપાસમાં કાર બહુ ઓવરસ્પીડમાં હોવાનું જણાયું નથી. તેમ છતાં વાહનની ચોક્કસ સ્પીડ જાણવા માટે RTO, FSL અને રેન્જ રોવર કંપની, આ ત્રણેય પાસેથી ટેકનિકલ રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ, સાક્ષીઓના નિવેદનો અને પ્રાથમિક તપાસ પ્રમાણે અકસ્માત આગળની ગાડી અને બાઈક વચ્ચે ઊભી થયેલી ગેરસમજના કારણે સર્જાયો હોવાનું જણાય છે. આરોપીના કહેવા પ્રમાણે આગળની ગાડી અચાનક ઊભી રહેતાં બાઈકચાલકને બચાવવા જતાં તેની કાર બાઈક સાથે અથડાઈ હતી.

અકસ્માત બાદ 17 કલાક સુધી આરોપી ક્યાં હતો તે અંગે પૂછતાં તેણે ડરી ગયો હોવાનું બહાનું આપ્યું હતું. પોલીસ તેની વાતો પર સીધો ભરોસો કરવાને બદલે કૉલ ડિટેલ રેકોર્ડ (CDR)ની રાહ જોઈ રહી છે, જેનું વિશ્લેષણ થયા બાદ સાચી હકીકત સામે આવી શકે છે.

આરોપીને સળંગ બે દિવસમાં 25થી 26 કલાક પૂછપરછ કર્યા બાદ જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. સમગ્ર કેસની તપાસ PSI સ્તરના અધિકારી કરી રહ્યા છે અને આરોપીને નિવેદન માટે બોલાવવામાં આવે ત્યારે ફરજિયાત હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે.

નોંધનીય છે કે આ કેસમાં પોલીસની કાર્યવાહી અંગે જાહેરમાં સવાલ ઉઠ્યા છે, ખાસ કરીને ધરપકડમાં થયેલા વિલંબ અને બ્લડ ટેસ્ટમાં થયેલી ઢીલને લઈને. કેસની આગળની દિશા હવે ટેકનિકલ રિપોર્ટ અને CDR વિશ્લેષણ પર નિર્ભર છે.