અમદાવાદના શીલજ સર્કલ પાસે 11 નવેમ્બરની રાત્રે થયેલા હિટ એન્ડ રન અકસ્માતમાં ધારાસભ્ય દિનેશ કુશવાહાના ભત્રીજા રાઘવેન્દ્ર કુશવાહાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી તેની લક્ઝુરીયસ રેન્જ રોવર કાર લઈને મિત્રો સાથે રાંચરડા તરફથી આવી રહ્યો હતો, ત્યારે શીલજ સર્કલ પાસે રેપિડો ચાલક પ્રદીપ ડોડવાલ અને તેની પાછળ બેઠેલા હર્ષદ પુરબિયાને ટક્કર મારી હતી.
અકસ્માત બાદ આરોપી રાઘવેન્દ્ર કુશવાહા સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત હર્ષદ પુરબિયાને સારવાર માટે પહેલા સોલા સિવિલ હોસ્પિટલ અને બાદમાં સિમ્સ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
ઘટના બાદ સીસીટીવી ફુટેજના આધારે બોપલ પોલીસે કારની ઓળખ કરીને કારચાલક રાઘવેન્દ્ર કુશવાહાની ધરપકડ કરી હતી. આરોપી રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. મીડિયા સાથે વાત કરતા આરોપીએ દાવો કર્યો હતો કે અકસ્માત સમયે તે નશામાં નહોતો.
આ ઘટનામાં પોલીસની કાર્યવાહી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. અકસ્માત કરનાર આરોપીને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મળી ગયા છે. અકસ્માત બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવા છતાં બોપલ પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધ્યો છે. જોકે, અકસ્માત સમયે આરોપીએ નશો કર્યો હતો કે કેમ, તેનું મેડિકલ પરીક્ષણ ક્યારે થયું અને તેના રિપોર્ટમાં શું આવ્યું, તે અંગે પોલીસે સ્પષ્ટતા કરી નથી.