સત્ય. સાહસ. સંકલ્પ.

શેફાલી વર્મા મહિલા T20 બેટર્સ રેન્કિંગમાં ચોથા ક્રમે પહોંચી, શ્રી ચરણી અને દીપ્તિ શર્મા બોલર્સમાં ટોપ-2 પર યથાવત

શેફાલી વર્મા મહિલા T20 બેટર્સ રેન્કિંગમાં ચોથા ક્રમે પહોંચી, શ્રી ચરણી અને દીપ્તિ શર્મા બોલર્સમાં ટોપ-2 પર યથાવત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનર શેફાલી વર્માએ ICC મહિલા T20 બેટર્સ રેન્કિંગમાં બે સ્થાનની છલાંગ લગાવીને ચોથું સ્થાન મેળવ્યું છે. તેમના 756 રેટિંગ પોઈન્ટ છે. તેમણે સ્મૃતિ મંધાના અને વેસ્ટ ઇન્ડિઝની હેલી મેથ્યુઝને પાછળ છોડીને ટોપ-4માં સ્થાન બનાવ્યું છે.

શેફાલીની આ સફળતા પાછળ એશિયા કપથી લઈને એશિયન ગેમ્સ સુધીની સતત શાનદાર બેટિંગ છે. એશિયા કપની સેમિફાઇનલમાં તેમણે 64 રન અને ફાઇનલમાં શ્રીલંકા સામે 68 રન બનાવ્યા હતા. એશિયન ગેમ્સમાં પણ તેમનું ફોર્મ યથાવત રહ્યું. જાપાન સામેની ક્વાર્ટર ફાઇનલમાં 15 બોલમાં અણનમ 40 રન, બાંગ્લાદેશ સામેની સેમિફાઇનલમાં 49 બોલમાં અણનમ 100 રનની ઇનિંગ્સ રમીને તેમણે તેમની પ્રથમ આંતરરાષ્ટ્રીય વ્હાઇટ-બોલ સદી ફટકારી. તેઓ એશિયન ગેમ્સમાં સદી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટર પણ બન્યા. ફાઇનલમાં શ્રીલંકા સામે 48 રન બનાવીને તેમણે ભારતને ઝડપી શરૂઆત આપી હતી, જેના કારણે ભારતે સતત બીજી વખત એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો.

બોલર્સ રેન્કિંગમાં ભારતની એન શ્રી ચરણી અને દીપ્તિ શર્મા ટોપ-2 પર યથાવત્ છે. શ્રી ચરણી 804 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે છે, જે ICC T20 રેન્કિંગમાં કોઈ ભારતીય મહિલા ક્રિકેટરનો સૌથી મોટો રેટિંગ સ્કોર છે. તેમણે એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકા સામે ચાર વિકેટ લીધી હતી. દીપ્તિ શર્મા બીજા ક્રમે છે અને તાજેતરની ટુર્નામેન્ટમાં સતત વિકેટ લઈને તેમણે તેમનું સ્થાન જાળવી રાખ્યું છે.

અન્ય ભારતીય બોલરોમાં ક્રાંતિ ગૌડ અને નંદની શર્માને પણ રેન્કિંગમાં ફાયદો થયો છે. ક્રાંતિ 15 સ્થાન ઉપર ચઢીને 57મા નંબરે પહોંચી છે, જ્યારે નંદની 22 સ્થાનની છલાંગ સાથે 72મા નંબરે છે. બંનેએ કારકિર્દીના સર્વશ્રેષ્ઠ રેટિંગ પોઈન્ટ હાંસલ કર્યા છે.

ઓલરાઉન્ડર્સ રેન્કિંગમાં દીપ્તિ શર્મા પાંચમા સ્થાને છે. તેમના 370 રેટિંગ પોઈન્ટ છે. વેસ્ટ ઈન્ડિઝની હેલી મેથ્યુઝ 502 પોઈન્ટ સાથે પ્રથમ, ન્યૂઝીલેન્ડની અમેલિયા કેર 465 પોઈન્ટ સાથે બીજા અને શ્રીલંકાની ચમારી અટાપટ્ટુ 420 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.