સત્ય. સાહસ. સંકલ્પ.

શેફાલી બગ્ગાએ EDને 1.20 કરોડ રૂપિયા પરત કર્યા, મહાદેવ બેટિંગ એપ કેસમાં પહેલો કિસ્સો

શેફાલી બગ્ગાએ EDને 1.20 કરોડ રૂપિયા પરત કર્યા, મહાદેવ બેટિંગ એપ કેસમાં પહેલો કિસ્સો

ટીવી પ્રેઝન્ટર અને બિગ બોસની પૂર્વ સ્પર્ધક શેફાલી બગ્ગાએ ચર્ચિત મહાદેવ બેટિંગ એપ સિન્ડિકેટ પાસેથી મળેલી રકમ સ્વેચ્છાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને સોંપી દીધી છે. તપાસના ઇતિહાસમાં આ એક મોટો વળાંક મનાય છે, કારણ કે કોઈ વ્યક્તિએ ગેરકાયદેસર સિન્ડિકેટમાંથી મળેલી ગુનાહિત આવક પોતાની મેળે EDને પરત કરી હોય તેવો આ પહેલો કિસ્સો હોઈ શકે છે.

EDની તપાસ અને શેફાલી બગ્ગાનું નિવેદન

EDએ છત્તીસગઢની રાયપુર કોર્ટમાં દાખલ કરેલી ચાર્જશીટ મુજબ, શેફાલી બગ્ગાને આ ગેરકાયદેસર એપના પ્રમોશનલ વિડિયો બનાવવા માટે કુલ 1.5 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. EDની પૂછપરછ બાદ બગ્ગાએ એજન્સીને વધારાના 1.20 કરોડ રૂપિયા પણ સોંપી દીધા છે. તેણે સ્પષ્ટતા કરી હતી કે, 'મને ખબર નહોતી કે આ એપ ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહી છે.' ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર શેફાલી બગ્ગાની લાખોની સંખ્યામાં મોટી ફેન ફોલોઈંગ છે.

વિકાસ ગર્ગ અને અન્ય આરોપીઓ સામે મોટી કાર્યવાહી

EDએ તાજેતરમાં 42 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં Ebix ગ્રુપના ચેરમેન વિકાસ ગર્ગ પણ સામેલ છે. ગર્ગની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી અને તેની 940 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આરોપ છે કે ગર્ગ મહાદેવ સિન્ડિકેટના માસ્ટરમાઇન્ડ હરિશંકર તિબ્રેવાલના માધ્યમથી ગેરકાયદેસર નાણાં પોતાની કંપનીઓમાં પહોંચાડતો હતો અને શેરબજારમાં હેરાફેરી કરતો હતો. આ કેસમાં EaseMyTripના પ્રમોટર નિશાંત પિટ્ટી પર પણ હરિશંકર તિબ્રેવાલ પાસેથી 59 કરોડ રૂપિયાની ગુનાહિત આવક મેળવવાનો આરોપ છે.

75,000 કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ અને બોલિવૂડ કનેક્શન

EDની ચાર્જશીટ અનુસાર, મહાદેવ ઓનલાઈન સિન્ડિકેટમાં ગેરકાયદેસર આવક 75,000 કરોડ રૂપિયાથી વધુની છે અને આ આંકડો હજુ વધી શકે છે. આ કેસમાં સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ સહિતના મુખ્ય પ્રમોટરો હજુ પણ ફરાર છે. અગાઉ પણ ED દ્વારા અનેક બોલિવૂડ હસ્તીઓ, અભિનેતાઓ અને ગાયકોને વિદેશી કાર્યક્રમો અને પ્રમોશનલ વિડિયો માટે સમન્સ મોકલવામાં આવ્યા છે. હાલમાં ED આ મામલે અત્યાર સુધીમાં કુલ 6 ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે.