સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં શીતળા સાતમ: અમરેલીથી ધોળકા સુધી મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ, ટાઢા ભોજનનો ભોગ

ગુજરાતમાં શીતળા સાતમ: અમરેલીથી ધોળકા સુધી મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ, ટાઢા ભોજનનો ભોગ

અમરેલી અને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આજે 'શીતળા સાતમ'નો તહેવાર શ્રદ્ધાભેર ઉજવાયો. આ દિવસે ઘરે ચૂલો ન પ્રગટાવીને ટાઢા ભોજનનો ભોગ ધરાવવાની પરંપરા જળવાઈ રહી.

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે રૂપેણ નદી કિનારે આવેલા પ્રાચીન શીતળા માતાજીના મંદિરે વહેલી સવારથી શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી. ભક્તોએ વિવિધ વિધિવિધાન સાથે પૂજા કરી અને ટાઢા ભોજનનો ભોગ ધરાવી પરિવારની સુખ-શાંતિ અને બાળકોના આરોગ્ય માટે પ્રાર્થના કરી.

અમદાવાદ જિલ્લાના ધોળકા અને બાવળા તાલુકામાં પણ આ તહેવારનો ઉત્સાહ જોવા મળ્યો. ધોળકાના વાઘેશ્વરી માતાના મંદિરે પટાગણ સહિત આસપાસના ગામોમાંથી મહિલાઓ પરંપરાગત વસ્ત્રોમાં, સુશોભિત થાળી સાથે પહોંચી હતી. તેમણે સામૂહિક રીતે વ્રતકથા શ્રવણ કર્યું.

માન્યતા અનુસાર આ દિવસે રાંધણ છઠ્ઠે તૈયાર કરેલાં ભોજન જેવાં કે બાજરાના વડા, પૂરી, થેપલા વગેરે ખાવાનો રિવાજ છે. એવું મનાય છે કે આ વ્રત કરવાથી ગરમી સંબંધિત રોગો દૂર રહે છે અને ઘરમાં આરોગ્ય રહે છે.