અમદાવાદના શીલજ કેનાલ રોડ પર 11 સપ્ટેમ્બરની મોડી રાત્રે બેફામ બાઈકની ટક્કરથી 29 વર્ષીય નવપરિણીતા નિશી દરજીનું મોત થયું હતું. આ કેસમાં બોપલ પોલીસે આરોપી સુનિલ પરમાર (19)ની રાજસ્થાનના ડુંગરપુરથી ધરપકડ કરી છે. ઘટનાના દિવસથી ફરાર આરોપીને પકડવા પોલીસે ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, નિશી તેના પતિ હાર્દિક દરજી સાથે ગરબા ક્લાસ પૂરો કરીને ઘરે પરત ફરી રહી હતી. હાર્દિક પોતાના બાઈક પર અને નિશી એક્સેસ સ્કૂટર પર હતી. શીલજ ડી.પી.એસ. કેનાલ રોડ પર માધવ અધવેદ કોમ્પ્લેક્સ પાસે રોડ ક્રોસ કરતી વખતે પૂરપાટ ઝડપે આવેલા બાઈકે નિશીના વાહનને ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે નિશી 10 ફૂટ સુધી ઢસડાઈ ગઈ હતી. તેને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.
અકસ્માત સર્જીને બાઈક ઘટનાસ્થળે મૂકીને ચાલક ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પોલીસે ફૂટેજ અને સાક્ષીઓના આધારે આરોપીની ઓળખ સુનિલ ગણેશ પરમાર તરીકે કરી હતી. અકસ્માત બાદ આરોપી સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો, પરંતુ ડૉક્ટરની રજા લીધા વગર જ તેણે અધૂરી સારવાર છોડીને ભાગી જવાબ આપ્યો હતો. ત્યારબાદ તે પોતાના વતન રાજસ્થાનના ડુંગરપુર ભાગી ગયો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સુનિલ મૂળ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાનો રહેવાસી છે અને છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદના થલતેજ વિસ્તારમાં ઘરઘાટી તરીકે કામ કરે છે. ઘટનાની રાત્રે તે પોતાનું કામ પૂરું કરીને મિત્રનું બાઈક લઈને સિગરેટ પીવા નીકળ્યો હતો. તેની પાછળ તેનો મિત્ર જીતેન્દ્ર મીણા પણ સવાર હતો. ઉતાવળમાં તેણે બાઈક ફુલ સ્પીડમાં હંકાવ્યું હતું. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ બાઈકની ઝડપ 80થી 100 કિલોમીટર પ્રતિ કલાકની વચ્ચે હોઈ શકે છે, પરંતુ ચોક્કસ ઝડપ એફએસએલ રિપોર્ટ બાદ જ જાણી શકાશે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા છે.
ઉલ્લેખનીય છે કે નિશીના લગ્ન બે મહિના પહેલાં જ હાર્દિક સાથે થયા હતા. હાર્દિક વ્યવસાયે કોરિયોગ્રાફર છે અને સાયન્સ સિટી ખાતે બ્લૂમિંગ કેમ્પમાં ગરબા ક્લાસ ચલાવે છે. પત્નીના મોત બાદ હાર્દિકે સોશિયલ મીડિયા પર ભાવુક વીડિયો શેર કરીને ન્યાયની માંગ કરી હતી. તેના આ વીડિયોએ ઘટનાને ચર્ચામાં લાવી હતી. પોલીસે હાલ આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.